માંડવી તા. 15/12
kutch vikas trust : અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરામૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી” સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલય ની દિવ્યાંગ છાત્રાઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તાજેતરમાં કચ્છ વિકાસ ટ્રસ્ટ – રાયધણપર માં તાજેતરમાં યોજાયેલા 34 માં રમતોત્સવમાં ભાગ લીધો હતો.
આ રમતોત્સવમાં વિકલાંગ કન્યા છાત્રાલયની ૬(છ) છાત્રાઓએ, જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બનીને સંસ્થાનું ગૌરવ વધારેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.
વિજેતા બનેલ છાત્રાઓમાં ભોપા જશુ ખેતાભાઇ જુનિયર પાસીંગ ધ બોલમાં પ્રથમ નંબરે, માતંગ કોમલ રતનભાઇ સિનિયર પાસિંગ ધ બોલમાં ત્રીજા નંબરે, સીજુ મણી રવજીભાઈ (પ્રજ્ઞાચક્ષુ) સિનિયર લીંબુ ચમચી માં પ્રથમ નંબરે, મહેશ્વરી નીતા આલારામભાઈ સિનિયર વ્હીલચેરમાં પ્રથમ નંબરે, સીજુ કંકુ રવજીભાઈ (પ્રજ્ઞાચક્ષુ) સિનિયર દોડમાં બીજા નંબરે, સીજુ અલ્પા આલારામભાઈ (પ્રજ્ઞાચક્ષુ) સિનિયર લીંબુ ચમચી માં બીજા નંબરે તેમજ ગોળાફેંકમાં ત્રીજા નંબરે વિજેતા બનેલ છે.
આ રમતોત્સવમાં કેવીટી (કચ્છ વિકાસ ટ્રસ્ટ) રાયધણપરમાં સંસ્થાના સહમંત્રી સુલતાનભાઇ મીર, ટ્રસ્ટી કાનજીભાઈ મહેશ્વરી, ટ્રસ્ટી ખુશાલભાઈ બળિયા, ટ્રસ્ટી ભીમગરભાઈ ગોસ્વામી તથા ગૃહમાતા પ્રવિણાબેન ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
છ એ વિજેતા છાત્રાઓને સમગ્ર ટ્રસ્ટી મંડળ અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ અભિનંદન પાઠવ્યા હતા.