યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યવર્તી ચૂંટણીમાં, શાસક ડેમોક્રેટ્સમાંથી રેકોર્ડ 5 ભારતીય-અમેરિકન સાંસદોને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે ચૂંટવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, અન્ય કેટલાક રાજ્ય વિધાનસભાઓમાં પણ ચૂંટાયા છે. આ તમામ નેતાઓની જીતથી ભારતીય મૂળના અમેરિકન નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતના લોકો પણ સતત અભિનંદન સંદેશ મોકલી રહ્યા છે. ચાલો જાણીએ કે, યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ચૂંટાયેલા ભારતીય મૂળના પાંચ દિગ્ગજ કોણ કોણ છે.
અમી બેરા
57 વર્ષીય અમી બેરાએ કેલિફોર્નિયાના 7માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન તમિકા હેમિલ્ટનને હરાવ્યા હતા. બેરા કોંગ્રેસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય-અમેરિકન છે અને તેઓ 2013થી આ બેઠક પર છે.
ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક થાનેદાર
એક ભારતીય-અમેરિકન ઉદ્યોગસાહસિક થાનેદારે મિશિગનના રિપબ્લિકન ઉમેદવાર માર્ટેલ બિવિંગ્સને હરાવીને કોંગ્રેસની ચૂંટણી જીતનાર પ્રથમ ભારતીય-અમેરિકન બનવાનો રેકોર્ડ બનાવ્યો.
રો ખન્ના, કૃષ્ણમૂર્તિ અને જયપાલ સતત ચોથી વખત જીત્યા
ઇલિનોઇસના આઠમા કોંગ્રેશનલ ડિસ્ટ્રિક્ટમાં, 49 વર્ષીય રાજા કૃષ્ણમૂર્તિ રિપબ્લિકન ઉમેદવાર ક્રિસ ડાર્ગિસને હરાવીને સતત ચોથી વખત ફરીથી ચૂંટાયા હતા. સિલિકોન વેલીમાં, રો ખન્નાએ કેલિફોર્નિયાના 17માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં રિપબ્લિકન હરીફ રિતેશ ટંડનને હરાવ્યા. ખન્ના પણ સતત ચોથી વખત ચૂંટાયા છે. આ ઉપરાંત, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એકમાત્ર ભારતીય-અમેરિકન મહિલા ધારાસભ્ય, ચેન્નાઈમાં જન્મેલી પ્રમિલા જયપાલે વોશિંગ્ટન સ્ટેટના 7માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં તેમના પ્રતિસ્પર્ધી ક્લિફ મૂનને હરાવ્યા હતા. તેઓ સતત ચોથી વખત જીતીને પણ આવી છે.