
72માં પ્રજાસત્તાક દિવસની ઊજવણી માટે દિલ્હીમાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આ વખતે યોજાનારા પરેડ સમારોહમાં 32 ઝાંખી પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 17 મંત્રાલય અને વિભાગોની 9 અને સેનાની 6 ઝાંખીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ઝાંખી માટે અલગ અલગ થીમ નક્કી કરવામાં આવી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓમાં લદ્દાખ, ગુજરાત, આસામ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, છત્તીસગઢ, પંજાબ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ સામેલ છે. દરેક ઝાંખીના પ્રદર્શનમાં વિવિધ પ્રકારના કલાકારો ભાગ લેશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયમાં પીડબ્લ્યૂડી, સાંસ્કૃતિક મંત્રાલય, આયુષ મંત્રાલય, ઈલેક્ટ્રોનિક એન્ડ આઈટી મંત્રાલય, બાયોટેક્નોલોજી, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગની ઝાંખી જોવા મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયની ઝાંખીમાં મહેનત અને સન્માન એક સમાન બતાવવામાં આવ્યું છે. આયુષ મંત્રાલય કોરોના કાળમાં નિભાવેલી ભૂમિકાને અહીં પ્રદર્શિત કરશે. આ સાથે જ રાજપથ પર ભારતીય સેનાની પણ છ ઝાંખી દેશની સૈન્ય શક્તિને પ્રદર્શિત કરશે.