કંડલાની બાપટ બજારમાં આવેલા એક પાનના ગલ્લા-કોલ્ડ્રીંક્સની દુકાનમાં છાપો મારી સ્પેશિયલ ઓપરેશન ગૃપએ વિવિધ બ્રાન્ડની વિદેશી સિગારેટના 10હજાર 700 રૂપિયાની કિંમતના 200 પેકેટ્સ જપ્ત કર્યા છે. ભારત સરકારના કાયદાની જોગવાઈનો ભંગ કરીને વિદેશી સિગારેટનું વેચાણ થતું હતું. પોલીસે સિગારેટ વેચતાં 30 વર્ષિય દુકાનદાર મહંમદખાન ઈસબખાન બલોચ (રહે. એકતાનગર, કિડાણા. મૂળ રહે. મીઠા, ભાભર, બનાસકાંઠા)ને દબોચી લઈ કોવિડ ટેસ્ટ માટે મોકલી આપ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમે આજે સાંજે બાપટ બજારમાં આવેલી તરુણ શોપ પર રેઈડ કરી હતી. દુકાનના કાઉન્ટર નીચે રહેલા બોક્સમાંથી વિદેશી સિગારેટ મળી આવી હતી. પોલીસે જપ્ત કરેલી સિગારેટમાં વિન કિંગસાઈઝ સિગારેટ, પેરિસ સ્પેશિયલ ફિલ્ટર સિગારેટ, રૂઈલી રીવર, માર્લબોરો બ્રાન્ડની સિગારેટનો સમાવેશ થાય છે. દુકાનદાર પાસે આ સિગારેટના પેકેટ બાબતે કોઈ આધાર પૂરાવા કે બીલ નહોતા. તમાકુ ઉત્પાદનોથી આરોગ્યને હાનિ થતી હોઈ 2008માં કેન્દ્ર સરકારે તમામ તમાકુ પ્રોડક્ટ પર સચિત્ર આરોગ્ય વિષયક ચેતવણી ફરજિયાત બનાવેલી છે. આ વિદેશી સિગારેટ પર આવી કોઈ ચેતવણી નથી. સિગારેટની મેન્યુફેક્યરીંગ ડેટ કે એક્સપાયરી ડેટની પણ કોઈ વિગતો પેકેટ પર દર્શાવાયેલી નથી. એસઓજીના હેડ કોન્સ્ટબલ દેવાનંદ બારોટે આરોપી સામે સિગારેટ અને તમાકુ ઉત્પાદન (જાહેરાત અને વેપાર, વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા વિતરણ પ્રતિબંધ) કાયદાની કલમ 7 (3), 20 મુજબ કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસમાં વિદેશી સિગારેટની દાણચોરીના ષડયંત્રનો પણ પર્દાફાશ થવાની શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે.