ગાંધીનગર
ગાંધીનગરનાં સેક્ટર-11 કોમર્શિયલ વિસ્તારમાં વધતા ટ્રાફિક અને આડેધડ પાર્કિંગની સમસ્યાને જોતા મનપા દ્વારા અંદાજે 1 કરોડના ખર્ચે ત્રણ સ્થળે પાર્કિંગ બની રહ્યાં છે. સ્માર્ટ સિટી દ્વારા હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં 20 ટકા નીચા ભાવે આશરે એક કરોડ જેટલા ભાવ ભરનારી એજન્સીને કામગીરી સોંપાઈ છે.
કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ મનપામાં પડેલા બે જૂથમાં વિરોધી જૂથના એક નેતા અને કાઉન્સિલર સાથે સંકળાયેલી એજન્સીની પસંદગી થઈ છે. સ્માર્ટસિટીના ટેન્ડરોમાં અત્યાર સુધી એક જૂથની મોનોપોલી હતી ત્યારે હવે વિરોધજૂથના નેતાઓ સાથે સંકળાયેલી એન્જસીઓને પણ કામગીરી સોંપાતા અનેક ચર્ચાઓ ઉઠી છે. બીજી તરફ છેલ્લી બે સ્થાયી સમિતિની બેઠકમાં પણ કોઈપણ જાતના વિવાદ વગર ટેન્ડરો મંજૂર થયા હતા. જેને પગલે કહેવાય છે કે ચૂંટણી નજીક આવતા જ ભાજપના બે જૂથે સંગઠનની મધ્યસ્થીથી હથિયારો હેઠા મુક્યા છે. આગામી ચૂંટણીમાં પક્ષને કોઈ નુકસાન ન થાય તે માટે ભાજપના બે જૂથ વચ્ચે ચાલતી આંતરિક લડાઈમાં સમાધાન થયું હોવાની ચર્ચા છે.
ગાંધીનગર મનપાની મુદત પૂરી થવામાં હવે 3 મહિના જ બાકી છે જેને પગલે રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણી માટેની તૈયારીમાં લાગી ગયા છે. સે-11 કોમર્શિયલ વિસ્તારમાં પાર્કિંગ સૌથી મોટી સમસ્યા છે અહીં આવેલી આઠ જેટલી કોમર્શિયલ બિલ્ડિંગ, એક હોટેલ ધમધમતી હોવાથી આખો દિવસ વાહનોની અવરજવર રહે છે. બીજી તરફ અહીં પાંચ જેટલી નવી બિલ્ડિંગ બની રહી છે. કેટલાક બિલ્ડિંગમાં પાર્કિંગની ઈશ્યૂ છે.