૧૯ મી સોમવારે રક્ષાબંધન પર્વ આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ રક્ષાબંધને ભદ્રાદોષને દફનાવી રાખડી બાંધવી… વિજ્ઞાન જાથા
૧૯ મી સોમવારે રક્ષાબંધન પર્વ આખો દિવસ ઉજવવા વિજ્ઞાન જાથાની અપીલ રક્ષાબંધને ભદ્રાદોષને દફનાવી રાખડી બાંધવી… વિજ્ઞાન જાથા
રાખડી બાંધવામાં મુર્હુત-ચોઘડીયાની જરૂર નથી… જયતં પંડયા. જયોતિષીઓના મતમતાંતરથી લોકો બોધપાઠ શીખે. ભદ્રાકાલ બલા નડવાનું જ કામ કરે છે. ભદ્રાદોષ નર્યું તુત છે. સોમવાર સવારે ૯ કલાકે સામુહિક રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાશે. કુદરતના નિયમાનુસાર દર મિનિટે શુભ-અશુભ ઘટના બને છે. જયોતિષીઓના ફળકથનોનો હોળી કરી સુત્રોચ્ચાર કરવામાં આવશે. ૨૧ મી સદીમાં મુર્હુત-ચોઘડીયાને અનુસરવું બેવકુફીનું પ્રદર્શન… જાથા.
અમદાવાદ : ભારતમાં સદીઓથી લેભાગુઓ ચોપડીનો આધાર મુકી ત્યૌહાર-ઉત્સવો અને પર્વની ઉજવણી પ્રસંગે ભદ્રાકાલ, ભદ્રાદોષ જાતજાતના ગતકડા મુકી લોકોમાં અસંમનજસ, દ્વિધા, શંકા-કુશંકા ઉભી કરી રાખડી બાંધવાનો સમય લોકોના માથા ઉપર મુકી ભ્રામકતા ઉભી કરે છે તેનો ભારત જન વિજ્ઞાન જાથા રજય કચેરી સદૈવ વિરોધ કરી કડક શબ્દોમાં આલોચના કરે છે. રક્ષાબંધન પર્વ તા. ૧૯મી સોમવાર આખો દિવસ બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. ૨૧ મી સદીમાં મુર્હુત-ચોઘડીયાને અનુસરવું બેવકુફીનું પ્રદર્શન જાથા માને છે. રાજકોટ ખાતે સામુહિક રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાવાનો છે.
જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષાબંધને અમુક લેભાગુઓ ભદ્રાવિષ્ટિ, ભદ્રાદોષ, ભદ્રાકાલ, યોગ-કરણ, તિથિ ઉદિતનું કારણ મુકી રાખડી બાંધવાનો લેભાગુઓ સમય જાહેર કરે છે જે નર્યો બકવાસ છે. માનસિક નબળા લોકો તેનું અનુકરણ કરે છે જે ઘાતક સાબિત થાય છે. તા. ૧૯ મી ઓગસ્ટ સોમવાર સવારથી મોડી રાત્રિ સુધી પરિવારની અનુકુળતા મુજબ રાખડી બાંધી શકે છે તેમાં કોઈ શંકા-કુશંકા કરવાની જરૂર નથી. લોકોએ સવારે ચૌદશ કે પૂનમ હોય તે જોવાની જરૂર નથી. લાગણી-પ્રેમ-સ્નેહના તાંતણે બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. ભારતના જ્યોતિષીઓમાં પણ મતમતાંતર જોવા મળે છે. તેના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે. અમુક સવારે રાખડી બાંધવાની તરફેણ કરે છે જયારે બીજા નિષેધ માને છે. બેમાંથી કયો જયોતિષી સાચો તેવા સવાલ કરવાની જરૂર છે. સોમવારે બપોરના એક કલાક એકત્રીસ મિનિટ સુધી રાખડી બાંધવી નહિ તેવી સલાહને અવગણીને સવારથી જ રાખડી બાંધવી. અગાઉના વર્ષોમાં પણ બહેનોએ જ્યોતિષીઓના ફળકથનોનો ઉલાળીયો કરી રાખડી બાંધી જ છે તે રીતે અનુસરવું તેવી જાથા લોકોને અપીલ કરે છે.
વધુમાં જયંત પંડયા જણાવે છે કે ભદ્રા કે વિષ્ટીકારક કોને કહેવાય તે આમ જનતાને કંઈપણ ખબર નથી. સદીઓ પહેલા લખાયેલી ચોપડી વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેથી માનવાની જરૂર નથી. ધર્મ સિંધુ ગ્રંથોની અત્યારે કાંઈ જરૂર નથી. મુશ્કેલીના સમયે આવા ગ્રંથો કાંઈ કામ આવતા નથી. ગ્રંથો નડવાનું બંધ કરે છે તો લોકો ઉપર ઉપકાર ગણાશે. લોકોનું ઉત્થાન, પ્રગતિ થાય તેવા ગ્રંથોની જરૂર છે. જયોતિષમાં માનવું એક પ્રકારની અંધશ્રદ્ધા છે. કોરોના-કુદરતી આપત્તિ વખતે આ જયોતિષ કયાં સંતાય ગયું હતું. ધાર્મિક સ્થાનો બંધ રહ્યા, કોઈએ ખોલવાની ઉતાવળ કરી ન હતી તેમાંથી ધડો લેવો જોઈએ. જયોતિષમાં શ્રદ્ધા બરબાદીને આમંત્રણ તેવું જાથા દ્રઢપણે માને છે.
વિશેષમાં એડવોકેટ પંડયા જણાવે છે કે આધુનિક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવી જોઈએ. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી લોકોએ નિર્ણય કરવો જોઈએ. રાજકોટ ખાતે જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમમાં સોમવાર સવારે ૯ કલાકે સામુહિક રક્ષાબંધન પર્વ મનાવવામાં આવશે. જેમાં બહેનો ભાઈને રાખડી બાંધી શુભકામના પાઠવશે. જયોતિષીઓના નકારાત્મક ફળકથનોની હોળી કરી તેની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવશે. ફળકથનોને બાળીને ભસ્મ કરી પોંક મુકવામાં આવશે. લેભાગુઓનો દેશવટો કરવો જે લોકોના હિતમાં છે તેવું મંતવ્ય વ્યક્ત કરવામાં આવશે. સદીઓથી ત્યૌહારો, ઉત્સવોમાં નડતા લેભાગુઓ અને તેની દુકાનોનો બહિષ્કાર કરવો તે સમાજની નૈતિક ફરજ છે. સોમવાર આખો દિવસ શુભ જ છે, આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવા જાથા અપીલ કરે છે. પૃથ્વી ઉપર દર મિનિટે શુભ-અશુભ, લાભ-નુકશાન, હોની-અનહોની, કુદરતી-પ્રાકૃતિક નિયમ અનુસાર ઘટના બને છે તેને કોઈ રોકી શકતું નથી. અકસ્માત બને છે તે રોજીંદી પ્રક્રિયા બની ગઈ છે તેથી શંકા કરવાની જરૂર નથી.
રાજયમાં તમામ જિલ્લા મથકે સોમવાર સવારે ૯ થી ૧૦ વચ્ચે રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાશે તેમાં જિલ્લાના રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, કચ્છ ભુજ, અરવલ્લી મોડાસા, આણંદ, ખેડા નડીયાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, તાપી વ્યારા, દાહોદ, નર્મદા રાજપીપળા, નવસારી, પાટણ, પંચમહાલ ગોધરા, બનાસકાંઠા પાલનપુર, ભરૂચ, મહિસાગર લુણાવાડા, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા હિંમતનગર, સુરત જિલ્લાઓમાં કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
જાથાના દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, વિનોદ વામજા, અશ્વિન કુગશીયા, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, જે. ડી. ઢોલરીયા, કાર્તિક ભટ્ટ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, વિક્રમ આહિર, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન પંડયા, જીવનનગર મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, અલ્કાબેન પંડયા, શોભનાબેન ભાણવડિયા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા સહિત કાર્યકરો રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે.
અંતમાં બપોરના જમવાના સમયે નજીકના સગા-સંબંધીની ઘરે રાખડી બાંધવા જવાય નહિ તેવું બહેનો સારી રીતે સમજે છે. રક્ષાબંધન પર્વ શંકા-કુશંકાને તિલાંજલિ આપી સોમવાર તા. ૧૯ મી આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ-ઉત્તમ છે તેથી ભાઈને રાખડી બાંધવા જાથા અપીલ કરે છે. માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.