હરતી ફરતી મસ્તીની પાઠશાળા એટલે નિવૃત્તિમાં પ્રવૃત્ત ભુજના નિવૃત્ત શિક્ષક મદનભાઈ ઠક્કર અત્યાર સુધી કચ્છ જિલ્લાની કુલ 566 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં, સ્વખર્ચે નિ:શુલ્ક રીતે જ્ઞાનનો ખજાનો ઠાલવી દીધો છે
ભુજ તાલુકાના વડનારા પ્રાથમિક શાળા માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને મદનભાઈ ઠક્કરે શાળાની દીવાલોને આગોશમાં ન સમાય તેટલી વિશાળ કરી નાખી છે. કચ્છ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ મળીને અત્યાર સુધી કુલ 566 શાળાના વિદ્યાર્થીઓને પોતાની મસ્તીની પાઠશાળામાં મોજ કરાવી છે.
તાજેતરમાં જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળામાં 565 માં નંબર સાથે સવાર અને બપોરની બંને પાળીમાં પોતાના આનંદ જ્ઞાનનો ખજાનો બાળકો સમક્ષ ઠાલવી દીધો હતો.
જુદા જુદા ભજનો, ગીતો, લોકગીતો અને ફિલ્મી ગીતોમા ઢાળીને ઘડિયા જ્ઞાન, મૂલ્યલક્ષી વાર્તાઓ, સામાન્ય જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરી તેમજ કૌશલ્ય વર્ધક રમતો રમાડી બાળકોને રસ તરબોળ કરી દીધો હોવાનું જૈન નૂતન પ્રા. શાળા નં. ૩ની એસ.એમ.સી.ના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ અને શાળાના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરે જણાવ્યું હતું.
મદનભાઈ ઠક્કરની બાળ ભોગત્ય મુખમુદ્રાઓ કે અંગ ભંગિનીઓથી બાળકો અભિભૂત થઈ ગયા અને ફરીને આવવાનું કહેવાને બદલે બાળકો તમે ન જાવ એવું કહી પોતાનું ઉમળકો વ્યક્ત કર્યો હોવાનું શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ જણાવ્યું હતું.
શ્રી મદનભાઈ ઠક્કર 3:00 વાગ્યા બાદ 566 ની શાળા શ્રી મસ્કા ગ્રુપ પ્રાથમિક શાળામાં ગયા હતા. ત્યાં પણ વિદ્યાર્થીઓને મોજ કરાવી પોતાના ચહેરા ઉપર ક્યાંય પણ થાકનો અનુભવ થવા દીધો નહીં, સમજો કે બાળકો સાથે રહીને એમને નોડવેલ જેવો અનુભવ થાય છે.
મદનભાઈ ઠક્કરે પોતાના બાળગીતોનું પુસ્તક શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, રાજ્ય એવોર્ડ વિજેતા શ્રીમતી ભારતીબેન ગોર, તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના અગ્રણી મનુભા જાડેજાને શાળા માટે અર્પણ કરેલ હતું.
નિષ્ફળ ભાવના દર્શન કરાવતા એમને શાળાએ ઓઢાળેલ સાલ પણ તેમણે ક્વિઝમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ભેટ તરીકે આપી દીધી હતી. આમ સેવાના ભેખધારી બાળકોના હિતચિંતક અને ચાહક એવા શ્રી મદનભાઈ ઠક્કર નો શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવારે આભાર માન્યો હતો.
મદનભાઈ ઠક્કરે અત્યાર સુધી જિલ્લાની કુલ 566 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સ્વખર્ચે તેમજ નિ:શુલ્ક રીતે જ્ઞાનનો ખજાનો ઠાલવી દીધો હોવાનું દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.