સ્મીમેર હોસ્પિટલમાં અંગદાનના થયા શ્રીગણેશ

સ્મીમેર હોસ્પિટલમાં અંગદાનના થયા શ્રીગણેશ સ્મીમેર હોસ્પિટલમાં સૌ પ્રથમવાર હૃદય, લિવર તેમજ બન્ને કિડનીનું અંગદાન મૂળ કલકત્તાના ૪૦ વર્ષીય ચિપુલ મંડલના અંગદાનથી ૪ વ્યક્તિઓને મળશે નવજીવન ગણેશ વિસર્જન અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન તા.૧૭મી સપ્ટેમ્બરનું સોનેરી પ્રભાત સ્મીમેર હોસ્પિટલના ઈતિહાસમાં એક નવલું પૃષ્ઠ અંકિત કરી ગયું છે. બ્રેઈનડેડ દર્દીના પરિવારજનોની સંમતિથી સૌપ્રથમવાર હૃદયનું અંગદાન અને તેની સાથે લિવર (યકૃત) તેમજ બન્ને કિડની (મૂત્રપિંડ) મળીને ચાર અંગોનું દાન ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવા શક્ય બન્યું છે.બનાવની વિગત એવી છે કે, તા.૧૪મીએ રાત્રિના ૧૧:૩૦ કલાકે ચલથાણ હાઈવે પર દ્વિચક્રી વાહન મોટરસાઇકલ સ્લીપ થઈ જતાં ઈજાગ્રસ્ત બાઈક સવાર બે યુવાનોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જે પૈકી એક ૪૦ વર્ષીય યુવાન ચિપુલ મંડલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બન્ને ઈજાગ્રસ્તોને ડો.રાજેશ ચંદનાનીના માર્ગદર્શન હેઠળ યુનિટ ૬માં દાખલ કરવામાં આવ્યાં હતાં. સિટી સ્કેનના રીપોર્ટ અનુસાર ચિપુલના માથાનાં અંદરના ભાગમાં પુષ્કળ લોહી વહી ગયું હતું. ન્યૂરોસર્જનના જણાવ્યા પ્રમાણે દર્દીના બેહોશ હોવાથી સર્જરી શક્ય નહોતી. તા.૧૬મી સપ્ટે.ના રોજ બપોરે ૧:૩૦ કલાકે હોસ્પિટલનાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ચિપુલને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. સર્જરીના હેડ ડો.અર્ચના નેમાની માર્ગદર્શન હેઠળ સ્મીમેરની ટીમ, સવિશેષ યુનિટ ૬નાં તથા અન્ય સર્જરી-રેસિડન્ટ તબીબોએ અંગદાન થયું હતું. મૂળ કલકત્તાનો યુવાન પોતાની પત્ની તથા ૧૦ મહિનાના પુત્ર સાથે સુરતમાં રહેતો હતો. તેના ભાઈને કલકત્તાથી તાત્કાલિક બોલાવી એસો. પ્રોફેસર ડો.વિપુલ ત્રિવેદીની વિસ્તૃત સમજાવટને અંતે તેની પત્ની, ભાઈ તેમજ સસરાની સંમતિથી ઉપરોક્ત અંગદાન માટે સંમતિ આપી હતી. ટ્રાન્સપ્લાન્ટ ટીમ હરકિશનદાસ હોસ્પિટલ, મુંબઈ તેમજ ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદથી સમયસર બોલાવવામાં સર્જરીના હેડ ડો.અર્ચના નેમાના માર્ગદર્શન હેઠળ અંગદાન કરવામાં આવ્યું હતું. સુરત સ્થિત સેવાભાવી સંસ્થા ડોનેટ લાઈફના સહકારથી ચિપુલનું હૃદય, લીવર તેમજ બન્ને કિડની આજે સવારે ૫:૩૦ થી ૯:૪૫ સુધીના મેરેથોન ઓપરેશન બાદ સફળતાપૂર્વક મેળવીને ગ્રીન કોરીડોર દ્વારા મહાવીર હોસ્પિટલ અને અમદાવાદ પહોંચી શક્યા. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સ્મીમેર સર્જરી વિભાગના રેસિડન્ટ, યુનિટ ૬ના સર્જનો તેમજ રેડિયોલોજી, મેડિસીન, એનેસ્થેશિયા, પેથોલોજી, બાયોકેમેસ્ટ્રી, બ્લડબેન્ક તથા અન્ય વિભાગના ડોકટરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *