વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર”ના યુવા સંશોધકોને સન્માનિત કરાયા હતા. ગુજરાત યુનવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર” ના યુવા સંશોધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટરના “VSCIC Innovation, Entrepreneurship and Design Thinking Massive Online Open Course (MOOC)” અને GUSEC (ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ) ની કૉફી ટેબલ બૂક “75 startups of GUSEC Accelerating Aatmanirbhar Bharat” નું લોન્ચિંગ કરાવ્યું હતું.
આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુવા સંશોધકો અને ઉદ્યોગસાહસિકોના વિચારબીજને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને એક વિચારને પ્રોડક્ટ સુધી પહોચાડવા માટે રાજ્ય સરકારે “સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન” પોલીસી અમલમાં મૂકી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર “સ્ટાર્ટ અપ” શબ્દની પરિભાષા ને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાતને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનું હબ બનાવવા માટે અને યુવા સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોના વિચારોને ઈન્ક્યુબેશન, પ્રોટોટાઇપ ડેવલોપમેન્ટથી લઈને માર્કેટિંગ અને બ્રાન્ડિંગ સુધીની સહાય પૂરી પાડવા માટે રાજ્યમાં GUSEC, VSCIC, i-create, i-hub સહિતની સંસ્થાઓ રાજ્ય સરકાર સાથે સંકલન દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે. સ્ટાર્ટ અપ અને ઈનોવેશન પોલીસી અંતર્ગત યુવા ઉદ્યોગ સાહસિકો અને સંશોધનકર્તાઓને ૨.૫ લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત આજે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઈનોવેશન ક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવાની દિશામાં મજબૂત ડગ માંડી રહ્યું છે.
અત્યાર સુધી જાણકારીના અભાવે કે લોકો શું વિચારશે તેવા ડરથી કેટલાક સારા વિચારો આગળ વધી શકતા નહોતા કે બહાર આવી શકતા નહોતા. આજે સુદ્રઢ સરકારી પોલિસી, યોજનાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન થકી દરેક સ્ટાર્ટઅપના વિચારને યોગ્ય પ્લેટફોર્મ અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે.
તકોનું વિશાળ ફલક ઉપલબ્ધ બનતા આજે વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાહસિકો ખુલીને પોતાના વિચારો સાથે બહાર આવી રહ્યા છે. ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોની પ્રેરણા થકી આજે રાજ્યભરના યુવાનો માટે નોકરી સિવાય પણ કારકિર્દી ઘડતર માટે એક સબળ માધ્યમ ઉભુ થઈ રહ્યું છે. આવા સ્ટાર્ટઅપ ખરા અર્થમાં આત્મનિર્ભર હોય છે. તેઓ પોતાના વિકાસ સાથે અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડે છે. ડીજીટલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, આત્મ નિર્ભર ભારત જેવી યોજનાઓ ખરા અર્થમાં “એક ભારત, શ્રેષ્ઠ ભારત”નું સપનું સાકાર કરશે.
મુખ્યમંત્રીએ તમામ યુવા સંશોધકો અને ઉદ્યોગ સાહસિકોના સંશોધનો અંગે વધુ વિગતો જાણવાની ઈચ્છા વ્યક્ત કરીને સૌને પોતાના નિવાસ્થાને આવવાનું નિમંત્રણ આપ્યું.