સુરત પાલિકાના વરાછા ઝોનમાં એપાર્ટમેન્ટ નમી પડતાં પાલિકાએ ખાલી કરાવ્યું, 10 પરિવાર રસ્તા પર, મહિલાએ કહ્યું-રાંધેલું ભોજન રઝળી પડ્યું.

સુરત પાલિકાના વરાછા ઝોનમાં ખાડી કિનારે આવેલો સમ્રાટ એપાર્ટમેન્ટ 24 જુલાઈ, 2025ના રોજ નમી પડતાં પાલિકાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું છે. એપાર્ટમેન્ટમાં 10 પરિવાર રહે છે અચાનક ખાલી કરાવાતા વસવાટ કરનારાઓમાં ગભરાટ ફેલાયો છે. જોકે, પાલિકાએ મોડે મોડે કોમ્યુનિટી હોલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. કેટલાકે તો સંબંધીઓના ઘરે રહેવાની ફરજ પડી છે.

આ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગ નમી પડ્યું ત્યારે બે નાના બાળકો સાથે ઘરે હતા. ખૂબ જ ડરી ગઈ હતી અને તાત્કાલિક ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. અમારા બે બાળકોને બીજાને ઘરે રાતે રાખ્યા હતા. જ્યારે અમે થોડો ઘણો સામાન રાત્રે સંબંધીના ઘરે ખસેડ્યો હતો. અમારા માતાજી પણ લેવા દીધા ન હતા.
સુરત પાલિકાના વરાછા એ ઝોનમાં પુણા વિસ્તારમાં ખાડી કિનારે સમ્રાટ સોસાયટી વિસ્તાર આવ્યો છે. આ સોસાયટીના ગ્રાઉન્ડ પ્લસ બે માળના સમ્રાટ એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં એક તરફનો ભાગ નમી પડતાં ગભરાટ ફેલાયો હતો. આ અંગેની જાણ પાલિકાના વરાછા એ ઝોનને થતાં વરાછા એ ઝોનના અધિકારીઓ તાત્કાલિક ધરી ગયા હતા. સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ જોખમી લાગતા બિલ્ડીંગનો વસવાટ ખાલી કરાવ્યો છે.

નીચે દુકાન અને ઉપરના બે માળમાં 10 જેટલા ફ્લેટ આવેલા હતા જેમાં 10 જેટલા પરિવાર રહેતા હતા. જે પૈકી ચાર જેટલા પરિવારને કમ્યુનિટી હોલમાં મોડે મોડે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પાંચ જેટલા પરિવારજનોએ જીવનું જોખમ લાગતા સંબંધીના ઘરે જતા રહ્યા હતા. ગતરોજ બપોરે એક વાગ્યા આસપાસ નીચેની માટી ધસી પડી હતી. જોકે સાંજે આ એપાર્ટમેન્ટ જોખમી હોવાનું કહીને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું હતું.

પહેલા માળે રહેતા ભારતીબેને જણાવ્યું હતું કે, ગતરોજ બપોરે નમી ગયું હોય તેવી જાણ થઈ હતી. આ પહેલાં પણ અમને જાણ જ હતી અને અમે બીજું મકાન શોધતા પણ હતા.ગઈકાલે બપોરે જ્યારે આ ઘટના બની ત્યારે હું અને નાના બાળકો સહિતની મહિલાઓ ઘરે જ હાજર હતા. જાણ થતા પહેલા તો અમે ખૂબ જ ડરી ગયા હતા. ત્યારબાદ સાંજે અમને પાલિકા પોલીસ સહિતના અધિકારીઓ આવ્યા હતા અને અમને તાત્કાલિક ખાલી કરવા માટે કહી દીધું હતું. અને આ બિલ્ડીંગ પડી જાય તો અમારી જવાબદારી નહીં તેવું કહીને જતા રહ્યા હતા અને અમને બહાર કાઢ્યા હતા.
નાના બાળકો હોવાથી અમને ખૂબ જ તકલીફ પડી રહી છે. અમે પરિવારના આઠ સભ્યો અહીં રહીએ છીએ અને તેમાં બે નાના બાળકો છે. બાળકોને પણ અમારા એક સંબંધીના ઘરે રાત વિતાવવા માટે મોકલી આપ્યા હતા. અને પરિવારના અન્ય તમામ સભ્ય રાતના 12:00 વાગ્યા સુધી અહીં જ રહ્યા હતા અને અમારો સામાન પણ એક સંબંધીના ઘરે રાત્રે ટ્રેક્ટરમાં લઈ ગયા હતા. રાત્રે પણ અમને થોડો સામાન જ કાઢવા દીધો હતો અને અમારા માતાજી પણ લેવા દીધાં ન હતા. આ સાથે અમારું રાંધેલું હતું તે પણ લેવા ન દીધું અને ખાધા પીધા વિના હતા.

કોમ્યુનિટી હોલમાં ચાર જેટલા પરિવારને ખસેડવામાં આવ્યા છે તેમાં 10 જેટલા બાળકો છે. રાત્રે 10 વાગ્યા સુધી જે રસ્તા ઉપર રજડી પડ્યા હતા ત્યારબાદ તેમને કમ્યુનિટી હોલમાં ખસેડવામાં આવ્યા હતા. રેખાબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, અમને તાત્કાલિક એપાર્ટમેન્ટ ખાલી કરાવીને રસ્તા ઉપર લાવી દેવામાં આવ્યા છે. નાના બાળકો પણ છે એક તો માત્ર 20 દિવસનું જ બાળક છે. રાત્રે એમને નાસ્તા સહિતનું આપવામાં આવ્યું હતું જોકે સવારથી અમને પાણી પણ આપવામાં આવ્યું નથી. અમે મોટા તો આ તમામ વસ્તુ સહન કરી લઈશું પણ એક જે 20 દિવસની બાળક છે તેનું શું કરીશું?
સાંજે આવ્યા હતા અને તમામ લોકોએ અમારો સામાન ફેંકવા લાગ્યા હતા અને તાત્કાલિક ખાલી કરવાનું કીધું હતું. આ બિલ્ડિંગ પડી જશે તેવું કહીને તાત્કાલિક અમને બહાર કાઢ્યા હતા. હાલ અમને કોમ્યુનિટી હોલમાં ખસેડ્યા છે પણ અમારે માટે કોઈ ખાવાની વસ્તુ નથી અમારી પાસે કોઈ વાસણ પણ નથી અથવા અહીંયા કંઈ બનાવવાનું સાધન પણ નથી કે અમે બનાવીને ખાઈ શકીએ.
સુરેશ સુહાગીયા (સ્થાનિક આગેવાન) એ જણાવ્યું હતું કે, સમ્રાટ એપાર્ટમેન્ટ છે તે નમી પડવાની દહેશતના કારણે તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું છે. આ એપાર્ટમેન્ટ લાઈન દોરીની અંદર જ આવે છે. ખાડીના કાંઠે ગેરકાયદે બનાવી દેવામાં આવેલું છે. અગાઉ નોટીસો પણ આપવામાં આવી છે છતાં પણ એપાર્ટમેન્ટના માલિકો દ્વારા ફ્લેટો ભાડે આપી દેવામાં આવ્યા છે. ગઈકાલે એપાર્ટમેન્ટ નમી પડવાને લઈને તાત્કાલિક ખાલી કરી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં મકાનમાલિક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, રાત્રે આ તમામ લોકોને રસ્તા ઉપર રઝળતા મૂકી દેવામાં પાલિકા અને સરકારી તંત્રનો પણ હાથ છે. કોઈપણ વ્યક્તિને રસ્તે રજડતા ન કરી શકાય. તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની પણ ગંભીર બેદરકારી છે. વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે તો સર્વે કરીને તાત્કાલિક આ પ્રકારની ઘટના ન બને તે માટે પગલા લેવા જોઈએ.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સમ્રાટ સોસાયટીના ખાડી કિનારે આવેલું છે. ખાડીના કાંઠા પર ગેરકાયદે બનાવી દેવામાં આવેલું છે. આપેલા પર અનેકવાર ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. આ સાથે જ પાલિકા દ્વારા ખાડી કિનારે ગેરકાયદે હોવાથી અને લાઇન દોરીની અંદર આવતું હોવાથી જાણપણ કરવામાં આવી હતી. જોકે આજે એપારમેન્ટના ફ્લેટ ના માલિકો દ્વારા ખાલી કરવામાં આવતું ન હતું.
આ ફ્લેટના માલિક દ્વારા પોતાના ફ્લેટને ભાડે પણ આપી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ બે માળના સમ્રાટ એપાર્ટમેન્ટ ના માલિક એક જ છે. હાલ પાલિકા દ્વારા ખાડી કિનારા પર આવેલા ગેરકાયદે દબાણ અને દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આગામી દિવસમાં સમ્રાટ એપાર્ટમેન્ટને પણ ઉતારી પાડવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે.