સાવધાન ! WHOએ મંકીપૉક્સના જે વેરિયન્ટને જાહેર કર્યો છે ‘ઈમરજન્સી’, ભારતમાં નોંધાયો પ્રથમ કેસ

સાવધાન ! WHOએ મંકીપૉક્સના જે વેરિયન્ટને જાહેર કર્યો છે ‘ઈમરજન્સી’, ભારતમાં નોંધાયો પ્રથમ કેસ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંકીપૉક્સના જે વેરિયન્ટને ઈમરજન્સી જાહેર કર્યો હતો, તે વેરિયન્ટનો ભારતમાં પ્રથમ કેસ નોંધાયો છે. ગત સપ્તાહે કેરળના મલપ્પુરમ આવેલો વ્યક્તિને મંકીપૉક્સ વાયરસની અસર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે હવે તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યા બાદ તે ચેપગ્રસ્ત હોવાની પુષ્ટી થઈ છે. વાયરસ પીડિત 38 વર્ષિક વ્યક્તિ યુએઈથી ભારત આવ્યો હતો. આ દરમિયાન તેનામાં મંકીપૉક્સના લક્ષણો હોવાની સંભાવના દેખાતા તેને આઈસોલેટ કરવામાં આવ્યો હતો, જોકે હવે તે પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.

સંક્રમિત વ્યક્તિ આઈસોલેશનમાં

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વ્યક્તિમાં MPox ક્લેડ-1 વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કેસ છે. WHOએ આ ક્લેડને વર્લ્ડ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેને આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કર્યા

આ મામલો સામે આવ્યા બાદ સંબંધીત તંત્ર દ્વારા પ્રોટોકોલ મુજબ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. વ્યક્તિના સોર્સની ઓળખ કરવા તેમજ દેશમાં વાયરસના પ્રભાવનું આકલન કરવા માટે દર્દીની કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવી રહી છે. ભારત મંકીપોક્સ વાયરસ સામે લડવા સમગ્ર રીતે તૈયાર છે અને કોઇ પણ સંભવિત જોખમને રોકવા અને ઓછો કરવા પૂરતા પ્રયાસ કરાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે તમામ રાજ્યોને પણ આવશ્યક ગાઇડલાઇન્સ જાહેર કરી એલર્ટ રહેવા જણાવ્યું છે.

કંઇ રીતે ફેલાય છે મંકીપોક્સ ?

થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપોક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઇ જાય છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઇ શકે છે. 

116 દેશોમાં 99 હજારથી અધિક કેસ

નોંધનીય છે કે, ડબ્લ્યુએચઓએ અગાઉ જુલાઇ 2022માં પણ મંકીપોક્સને કટોકટી જાહેર કરી હતી, જેને મે 2023માં રદ કરવામાં આવી હતી. જો કે, તાજેતરમાં ડબ્લ્યુએચઓએ જણાવ્યું કે વર્ષ 2022થી અત્યાર સુધી વૈશ્વિક સ્તરે મંકીપોક્સના 116 દેશોમાં 99,176 કેસ સામે આવ્યા છે, જેમાં 208 લોકોના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *