સાબરમતી નદીમાં 2 કલાકમાં 2 લોકોએ આપઘાતનો પ્રયાસ કરતાં એકનું મોત
રાજ્યમાં બે અલગ-અલગ બનાવોમાં ડૂબી જવાથી કુલ 4 વ્યક્તિઓના મોત થયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદથી ખેડાના ગળતેશ્વર ફરવા ગયેલા 9 મિત્રો પૈકી 3 યુવકના ડૂબવાથી મોત થયા છે. આ ઘટનામાં કુલ 4 વ્યક્તિઓ ડૂબ્યાં બાદ સ્થાનિકોએ એક યુવકને બચાવી લીધો હતો. આ તરફ અમદાવાદની સાબરમતી નદીમાં 2 કલાકમાં 2 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે અન્ય એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે.
સાબરમતી નદીમાં 2 કલાકમાં 2 લોકોનો આપઘાતનો પ્રયાસ
મેટ્રો સિટી અમદાવાદની સાબરમતી નદીમાં 2 કલાકમાં 2 લોકોનો આપઘાતનો પ્રયાસ કયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાંધીબ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર ચંદ્રેશ કુંવરિયાને બચાવી લેવાયો છે. આ તરફ દુધેશ્વર બ્રિજ પાસે નદીમાં ઝંપલાવનાર અર્જુન નટનું ડૂબી જતાં મોત થયું છે. વિગતો મુજબ નદીમાં ઝંપલાવનાર ચંદ્રેશ કુંવરિયાને સારવાર માટે ખસેડાયો છે. મૃતક અર્જુન નટ વાડજ વિસ્તારનો રહેવાસી અને જીવિત બહાર નીકળનાર જીસીએસ હોસ્પિટલ પાસે ચામુંડા વિસ્તારનો રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. બન્ને ઘટનામાં પોલીસે આપઘાતના કારણોની તપાસ શરૂ કરી છે.