14 એપ્રિલે સવારે બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ભારે સુરક્ષા હોવા છતાં, સવારે 4.50 વાગ્યે, બે અજાણ્યા લોકો અભિનેતાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. બંને શૂટરો બાઇક પર આવ્યા હતા અને પછી હવામાં ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. બંનેએ હેલ્મેટ પહેરી હતી, જેના કારણે હાલ તેમની ઓળખ થઈ શકી નથી.
બંને હુમલાખોરોની તસવીરો સામે આવી
ગોળીબાર કરનારા બંને હુમલાખોરોની તસવીરો સામે આવી છે. હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક લાલ ટી-શર્ટમાં જોવા મળે છે. આ તસવીર સીસીટીવી ફૂટેજમાંથી મેળવવામાં આવી છે. આ તસવીરના આધારે બંનેની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. પોલીસ બંનેને શોધવામાં વ્યસ્ત છે. સેન્ટ્રલ એજન્સીઓને શૂટરો અંગે મહત્વની કડીઓ મળી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા શૂટર્સ હરિયાણા અને રાજસ્થાન સાથે સંકળાયેલા હોઈ શકે છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાની ગેંગે શૂટરની વ્યવસ્થા કરી હોવાની શક્યતા છે. આ સાથે રોહિત ગોદારા સામે ઈન્ટરપોલની નોટિસ પણ જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સનસનાટીભર્યા ગોગામેડી હત્યા કેસમાં રોહિત ગોદારાનું નામ સામે આવ્યું હતું. મુંબઈ પોલીસ બાદ હવે દિલ્હી પોલીસ પણ સક્રિય થઈ છે. બંને હુમલાખોરોની તસવીરો તમામ પોલીસ સ્ટેશનમાં વાયરલ કરવામાં આવી છે.