તવાંગમાં LAC પાસે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ અથડામણને લઈને મંગળવારે સંસદમાં હંગામો થવાની સંભાવના છે. કોંગ્રેસ પાર્ટીએ સોમવારે કહ્યું કે સરકારે આ મામલે સંસદમાં ચર્ચા દ્વારા દેશને વિશ્વાસમાં લેવાની જરૂર છે. કોંગ્રેસના ઘણા નેતાઓ સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ લાવવાના છે. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઈમેજ બચાવવા માટે દેશને જોખમમાં મૂકી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, ‘એકવાર ફરી ચીને આપણા સૈનિકોને ઉશ્કેર્યા છે. આપણા સૈનિકો બહાદુરીથી લડ્યા અને કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા. અમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાષ્ટ્ર તરીકે એક છીએ અને તેનું રાજનીતિકરણ નહીં કરીએ. પરંતુ મોદી સરકારે LAC પર ચીનની આક્રમકતા અને એપ્રિલ 2020થી ચાલી રહેલા બાંધકામ અંગે પ્રમાણિક રહેવું જોઈએ.’
તેમણે કહ્યું, ‘સરકારે સંસદમાં આ મુદ્દે ચર્ચા કરીને દેશને વિશ્વાસમાં લેવો જોઈએ. અમે અમારા જવાનોની બહાદુરી અને બલિદાનના ઋણી છીએ.’ જયારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વિટ કર્યું, ‘અમને ભારતીય સેનાની બહાદુરી પર ગર્વ છે. સરહદ પર ચીનની કાર્યવાહી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. છેલ્લા બે વર્ષથી, અમે વારંવાર સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ મોદી સરકાર માત્ર પોતાની રાજકીય છબી બચાવવા માટે આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.જેના કારણે ચીનનું દુઃસાહસ વધી રહ્યું છે.’
ઓવૈસી સંસદમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કરશે
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે કેન્દ્ર સરકાર પર LAC પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટના અંગે દેશને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો હતો. ઓવૈસીએ કહ્યું કે તેઓ 13 ડિસેમ્બરે આ મુદ્દે સંસદમાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કરશે. શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘નબળા રાજકીય નેતૃત્વ’ ને કારણે ચીન આ અપમાનનું કારણ બન્યું છે.
ઓવૈસીએ ટ્વીટ કર્યું, ‘અરુણાચલ પ્રદેશથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મોટી અથડામણ થઈ હતી અને સરકારે દેશને દિવસો સુધી અંધારામાં રાખ્યો. જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે તેની જાણ કેમ કરવામાં ન આવી.’ અન્ય ટ્વિટમાં, AIMIM નેતાએ કહ્યું, ‘સેના કોઈપણ સમયે ચીનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. પીએમ મોદીના નેતૃત્વમાં નબળા રાજકીય નેતૃત્વના કારણે ચીન આ અપમાનનું કારણ બન્યું છે. આન પર સંસદમાં ચર્ચા કરવાની તાતી જરૂર છે. હું આવતીકાલે આ મુદ્દા પર સ્થગિત દરખાસ્ત મૂકીશ.’
કેજરીવાલે કહ્યું- આપણા સૈનિકો દેશનું ગૌરવ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે આપણા સૈનિકો દેશનું ગૌરવ છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘આપણા સૈનિકો દેશનું ગૌરવ છે. હું તેમની બહાદુરીને સલામ કરું છું અને તેઓના જલ્દી સ્વસ્થ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’