
શ્રી કચ્છી સમાજ-અમદાવાદ દ્વારા સુપ્રીમ કોર્ટના નવ નિયુક્ત ન્યાયમૂર્તિ અને કચ્છી માડુ શ્રી નિલયભાઈ અંજારીયાનું કરાયું અભિવાદન.
તારીખ. ૧૫-૧૧-૨૦૨૫ના રોજ અમદાવાદમાં સરકીટ લઉસ, શાહીબાગ ખાતે શ્રી કચ્છી સમાજ-અમદાવાદ દ્વારા, કચ્છ માંડવીના વતની અને ભારતની સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિશ્રી નિલયભાઈ અંજારીયાનું અભિવાદન અને વિશેષ સન્માન કચ્છી શાલ અને સ્મૃતિ-પત્રથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવા ન્યાયમૂતિશ્રીને સન્માનિત કરવા અમદાવાદ/ગાંધીનગર સ્થિત તમામ કચ્છી ઘટક સમાજ ના વિશેષ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.
અતિ વ્યસ્ત કાર્યક્રમોમાંથી સમય કાઢી, સહપરિવાર હાજર રહેલા શ્રી નિલયભાઈએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “અમદાવાદ કચ્છી સમાજ-સાથેનો મારો પરિચય ખૂબ જ જૂનો છે. હું કચ્છી સમાજ અમદાવાદના ઘણા કાર્યક્રમોમાં હાજર રહેલો છું. વર્ષો પહેલા અમદાવાદમાં કોલેજમાં મારા અભ્યાસકાળ દરમિયાન કચ્છશ્રુતિ માટે મેં મારી કવિતા અને લેખ આપેલ, એવું મને યાદ આવે છે.”
ખૂબજ લાગણીવશ થઈ એમણે જણાવ્યું કે, “અહીં આવીને આજે હું ખૂબ જ ગદગદીત થયો છું. મારા જીવનના દરેક તબક્કાના મિત્રો આજે અહીં ઉપસ્થિત છે. ભણતરથી માંડી, પ્રેક્ટિસ સુધી અને ત્યારબાદ, હાઈકોર્ટથી માંડીને આજ સુધીમાં મારા જીવનના દરેક તબક્કે મારી સાથે જાણે-અજાણે જેમનું એસોસિએશન રહ્યું, એ બધા જ અત્યારે હાજર છે. આ માટે હું ભવ્યેશ માંડ, ભરત ઓઝા અને કચ્છી સમાજ-અમદાવાદનો ખૂબ જ આભારી છું.”
“આજે હું મારા પોતાના પારિવારિક સ્નેહમિલનમાં આવ્યો હોઉં તેવો એહસાસ થાય છે. આવો પ્રતિભાવ આપતાં શ્રી નિલયભાઈએ જણાવ્યું કે મારી આખી કારકિર્દીની સફર સઘર્ષની રહી છે. કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ગયો, ત્યારે મેં કહ્યું હતું કે કચ્છની ધરતી તમને લડવાનું ખમીર આપે છે. બોલતાં તો બોલી ગયો, પણ સત્ય વાત છે, તમે કદાચઆ વાતનો અનુભવ કરી રહ્યા છો. કચ્છના વ્યક્તિઓ કોઈ પણ ક્ષેત્રમાં ખમીરવંતા અને ખુમારીવાળા હોય છે. પણ આ લડવાની શક્તિ મને મારા બેંગ્લોરના ટેન્યોર દરમિયાન અને ત્યાંથી સુપ્રીમ કોર્ટની યાત્રા સુધી, જે શક્તિ મળી, એ માનું છું કે હું કચ્છી છું એટલે મળી છે.”
કાર્યક્રમના આરંભે શ્રી કચ્છી સમાજ-અમદાવાદના પ્રમુખશ્રી કૈલાસદાન ગઢવી અને મંત્રીશ્રી ભરત ઓઝા સાથે રહી સુશ્રી જુઈ ધોળકીયાએ ન્યાયમૂતિશ્રી નિલયભાઈ અંજારીયા અને શ્રીમતી પ્રગતિબેન નિલયભાઈ અંજારીયાનું તિલક દ્વારા અભિવાદન કરી સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ સંસ્થાના પ્રમુખશ્રી કૈલાસદાન ગઢવીએ ઉપસ્થિત સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત સાથે આવકાર પ્રવચન આપ્યું હતું. સંસ્થાના સહમંત્રી શ્રી શૈલેષ કંસારાએ સન્માનપત્રનું વાંચન કર્યું હતું. માનદ મંત્રીશ્રી ભરત ઓઝાએ સમાજની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીઓ તથા વિશેષ આમંત્રિત મહાનુભાવોનો પરિચય આપ્યો હતો. ન્યાયમૂર્તિશ્રી નિલયભાઈના કારકિર્દી વિશે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અતુલ સોનીએ સૌને માહિતગાર કર્યા હતા.આ અવસરે પૂર્વ પ્રમુખ સર્વશ્રી અશોકભાઈ મહેતા, મનસુખભાઈ પટેલ, ઘનશ્યામભાઈ ઠક્કર, હરીશભાઈ રંગવાલાના તથા દિનેશ મહેતાના હસ્તે ‘કચ્છનો સર્વાંગી ઈતિહાસ’ પુસ્તકની નકલ સ્મૃતિરૂપે શ્રી નિલયભાઈને અર્પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ સ્થિત ‘મડઈ જા માડુ’ (માંડવીના મિત્રો) દ્વારા પણ ન્યાયમૂર્તિશ્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવાની તમામ જવાબદારી સંસ્થાના ટ્રસ્ટીશ્રી મનુભાઈ કોટડીયા અને શ્રી સંજય રાઠોડે સુપેરે પાર પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઈ મહેતાએ કર્યું હતું.
આ અવસરે અન્ય વિશેષ મહાનુભાવોમાં સર્વશ્રી નિવૃત્ત હાઈકોર્ટ જસ્ટિસ શ્રી પૂજ સાહેબ, સર્વશ્રી હરીશભાઈ રંગવાલા, ધનશ્યામભાઈ ઠક્કર, જગદીશભાઈ ઠક્કર, નરસિંહભાઈ પટેલ, મહેન્દ્રભાઈ મોરબિયા, ડૉ. હિમાંશુ શાહ, ડૉ.રાજેન્દ્ર ટોપરાણી, શાંતિલાલ સાવલા, અશોક ધોળકિયા, જ્યોતિષ ભટ્ટ, પ્રબોધભાઈ ઠક્કર, દીપકભાઈ વોરા, સુશ્રી વિજ્યાબેન શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.