મહારાષ્ટ્ર સરકારે મંગળવારે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નાખને ભારતમાં લાવવા માટે લંડન સ્થિત વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ (V&A) મ્યુઝિયમ સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજીએ 1659માં આ વાઘનાખની મદદથી હરીફ બીજાપુર સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારી નાખ્યો હતો. આ એમઓયુ પર મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી સુધીર મુનગંટીવાર અને V&A મ્યુઝિયમના ડાયરેક્ટર ડૉ. ટ્રીસ્ટ્રામ હન્ટ હસ્તાક્ષર કર્યા હતા.
હન્ટે જણાવ્યું હતું કે, તેમને આશા છે કે સમગ્ર મહારાષ્ટ્રમાં વાઘનાખનું પ્રદર્શન તેના ઇતિહાસ અને મૂળ વિશે વધુ સંશોધનને પ્રોત્સાહન આપશે. છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકના 350 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ પ્રસંગે આયોજિત પ્રદર્શનોમાં આ વાઘનાખ પ્રદર્શિત કરવામાં આવશે. તેને ત્રણ વર્ષ માટે ભારતને સોંપવામાં આવ્યું છે.
આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે
આ વાઘનાખ નવેમ્બર 2023થી નવેમ્બર 2026 સુધી ત્રણ વર્ષ સુધી ભારતમાં રહેશે. તેને શિવપ્રેમીઓ અને ઈતિહાસ પ્રેમીઓના દર્શન માટે મહારાષ્ટ્રના વિવિધ સંગ્રહાલયોમાં રાખવામાં આવશે. જેમાં સતારા, નાગપુર, કોલ્હાપુરમાં રાજ્ય પુરાતત્વ વિભાગના સંગ્રહાલયો અને મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલયનો સમાવેશ થશે.