મૂળ કાંડાગરાના કાબેલ ઘોડેસવાર હૃદય વિપુલ છેડાએ હાંગ્ઝુમાં ડ્રેસેજ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. હૃદયની સ્વર્ણિમ સિદ્ધિથી કચ્છ અને દેશ ગૌરવાન્વિત થયા છે. હૃદય, સુદીપ્તિ હજેલા, દિવ્યક્રીતિ સિંહ અને અનુષ અગ્રવાલની ટીમે અફલાતૂન પ્રદર્શન કરીને ઘોડેસવારીને લગતી ઈક્વેસ્ટ્રિયનની સ્પર્ધામાં 209.20પ પોઈન્ટ મેળવ્યા હતા અને એશિયાડના ઈતિહાસમાં ભારતની ડ્રેસેજ ટીમનો પ્રથમ સુવર્ણ દેશને અપાવ્યો હતો. 1982માં નવી દિલ્હી ખાતે યોજાયેલા એશિયાડમાં ભારતીય ટીમે ઈવેન્ટિંગ અને ટેન્ટ પેગ્ગિંગ સ્પર્ધાઓમાં દેશને ત્રણ ગોલ્ડ અપાવ્યા હતા, તો 1986ના એશિયાડમાં ડ્રેસેજમાં ભારતને કાંસ્ય મળ્યો હતો. હૃદય છેડા આજે વ્યક્તિગત રમતના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભાગ લેશે અને પછી પસંદ થઇને ગુરુવારે ડ્રેસેજના વ્યક્તિગત કેટેગરીના ફાઇનલ રાઉન્ડમાં કૌવત બતાવશે. હૃદય અને તેની ટીમે આજે યજમાન ચીન (204.882 પોઈન્ટ) અને હોંગકોંગ (204.8પ2 અંક)ને પાછળ રાખીને સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો.
ડ્રેસેજમાં મૂવમેન્ટની શ્રેણીમાં ઘોડો અને તેનો સવાર કેવો દેખાવ કરે છે તેના પર પોઈન્ટ મળે છે. દરેક સવારીના રાઉન્ડમાં દસમાંથી પોઈન્ટ મળે છે. હૃદય, સુદીપ્તિ, દિવ્યક્રીતિ અને અનુષની ટીમે લગભગ દરેક રાઉન્ડમાં સુંદર પ્રદર્શન કર્યું હતું. દેશભરમાંથી આ ટીમને અભિનંદન અપાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, આ ભારત માટે ગૌરવની વાત છે. હૃદય, અનુષ, સુદીપ્તિ અને દિવ્યક્રીતિએ ટીમના રૂપમાં અદ્વિતીય કૌશલ્યનું પ્રદર્શન કર્યું, હું ટીમને વધાઇ આપું છું. દરમ્યાન, મેન્સ સેલિંગમાં ભારતના ઇબાદ અલીએ કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો જ્યારે 17 વર્ષીય નેહા ઠાકુરે વીમેન્સ સેલિંગમાં રજત ચંદ્રકની દેશને ભેટ આપી હતી. સેલિંગની રમત સઢવાળી હોડીની હોય છે. જ્યારે 17 વર્ષીય યુવા મહિલા ખેલાડી નેહા ઠાકુરે સેલિંગની ડિંગી આઇએલસીએ-4 રમતમાં શાનદાર દેખાવ કરીને 28 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહીને રજત ચંદ્રક જીત્યો હતો. આ જ રમતના પુરુષ વિભાગમાં ભારતના ઇબાદ અલીએ કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. બીજી તરફ સ્વિમિંગમાં 4 બાય 100 મીટર મેડલે રિલેમાં નેશનલ રેકોર્ડ સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી છે. મહિલા ટેનિસમાં અંકિતા રૈનાનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ થયો છે. તલવારબાજીમાં સ્ટાર ભવાનીદેવીની સફર સમાપ્ત થઇ હતી. તેણી ક્વાર્ટર ફાઇનલમાં 7-1પથી હારી હતી.