મોદી સરકારે વન નેશન, વન ઈલેક્શનની દિશામાં એક મોટું પગલું ભર્યું છે.
મોદી કેબિનેટે બહુ ચર્ચિત ‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વન નેશન, વન ઈલેક્શન પરની કોવિંદ કમિટીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ કેબિનેટે તેને લીલીઝંડી આપી દીધી હતી.
કોવિંદ કમિટીએ રિપોર્ટ સોંપ્યો
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ માર્ચમાં વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ પર પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, પ્રથમ પગલા તરીકે, લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવી જોઈએ. સમિતિએ વધુમાં એવી ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ પણ યોજવી જોઈએ. આ સાથે, સમગ્ર દેશમાં તમામ સ્તરે ચૂંટણી એક નિશ્ચિત સમય ગાળામાં યોજવામાં આવી શકે છે. હાલમાં રાજ્યની વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અલગ-અલગ યોજાય છે.
પીએમ મોદી વન નેશન, વન ઈલેક્શનના પૂરા સપોર્ટમાં
ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની જોરદાર હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સમાવેશ કર્યો હતો.
શું છે વન નેશન, વન ઈલેક્શન
લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવી તથા આ બન્ને ચૂંટણીના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કરાવવી એટલે વન નેશન, વન ઈલેક્શન.