વડોદરા શહેર થંભી ગયું, વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 9 ફૂટ ઉપર
વડોદરા જિલ્લામાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરા કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદી તેની ભયજનક સપાટી 26 ફૂટથી 9 ફૂટ વધુ એટલે કે 35.25 ફૂટે પહોંચી જતા તંત્ર દ્વારા તમામ બ્રિજો બંધ કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્રીની આસપાસમાં આવેલી તમામ સોસાયટીઓ અને વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ જતા અનેક લોકો ફસાયા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓ દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 3500 ઉપરાંત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કુદરતના કહેર સામે તંત્ર લાચાર બન્યું છે. જોકે, સામાજિક સંસ્થાઓ મદદે પહોંચી છે.