વડાપ્રધાનશ્રીએ વર્ચ્યુઅલ ઇ-લોકાપર્ણ કરી કચ્છ જિલ્લાના
૧૪૦૧ લાભાર્થીઓને સપનાનું ઘર આપ્યું
ડીસા ખાતે મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા
રાજ્યકક્ષાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કચ્છના ૪૪ ઘરોનું ખાતમુહૂર્ત સંપન્ન
ભુજ ખાતે ૧૭૭ ઘરના ઇ-લોકાપર્ણ કાર્યક્રમમાં
ઘરનું ઘર મળતાં લાભાર્થીઓએ આનંદની અનુભૂતિ વર્ણવી
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી નાગરિકોને સન્માનભેર જીવન પ્રાપ્ત થયું છે
– શ્રી કેશુભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ભુજ
‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ની નેમને સાકાર કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં રૂ.૨,૯૯૩ કરોડના ખર્ચે ૧,૩૧,૪૫૦થી વધુ આવાસોનું વર્ચ્યુઅલી ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ગુજરાતના ૧૮૨ વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલા સમાંતર કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં યોજાયેલા વિધાનસભા ક્ષેત્રોના કાર્યક્રમો હેઠળ કુલ ૧૪૦૧ આવાસોનું ઇ-લોકાપર્ણ તથા ૪૪ ઘરનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. કચ્છભરમાં યોજાયેલા કાર્યક્રમમાં આવાસ યોજનાના લાભાર્થીઓ અને તેમના કુટુંબીજનો સાથે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
કચ્છમાં ૬ વિધાનસભા ક્ષેત્રમાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસામાં ૪૦૨ ઘરનું લોકાપર્ણ, માંડવીમાં ૧૯૬નું લોકાપર્ણ તથા ૭નું ખાતમુહૂર્ત, ભુજ ખાતે ૧૭૭નું લોકાપર્ણ, અંજાર ખાતે ૬૨નું લોકાપર્ણ, ગાંધીધામ ખાતે ૧૧૮નું લોકાપર્ણ તથા ૧૦નું ખાતમુહૂર્ત તથા રાપર ખાતે ૪૪૬નું લોકાપર્ણ તથા ૨૭નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ઉપલક્ષમાં ભુજ વિધાનસભા ક્ષેત્રના ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતની સંકલ્પના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી છે તે હેઠળ છેવાડાના માનવી સુધી તમામ સુખ-સુવિધા પહોંચાડવાનો કેન્દ્ર અને રાજય સરકારનો નિર્ધાર છે. જેમાં ઘરનું ઘર દરેક લોકોને મળે તથા તેઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે સરકાર કટિબદ્ધ છે. તેમણે દરેક નાગરિકોને સરકારની યોજનાઓ અન્ય પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચાડવા કામગીરી કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન નોંધાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણીએ જણાવ્યું હતું કે, દરેક નાગરિકને સુવિધાયુક્ત આવાસ મળે તેવું વડાપ્રધાનશ્રીનું સપનું છે. જે વ્યક્તિ આર્થિક સદ્ધર ન હોય તે પણ સપનાનું ઘર બનાવી શકે તે માટે સરકાર કામગીરી કરી રહી છે. જેના કારણે સેકડો નાગરિકોને પાકા મકાન પ્રાપ્ત થયા છે. ત્યારે દરેક લાભાર્થી અન્યો સુધી આ યોજનાની જાણકારી પહોંચાડીને પોતાની નૈતિક જવાબદારી નિભાવે તે જરૂરી છે.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકીએ વર્તમાન સરકાર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારત આજે વિશ્વગુરુ બનવાની દિશા તરફ અગ્રેસર બન્યો છે. નેતૃત્વમાં ઘરવિહોણા પરીવારોને ઘરનું ઘર મળે અને લોકવિકાસની યોજનાઓથી દેશના લોકોનો વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ તકે કલેક્ટરશ્રી અમિત અરોરાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર- રાજય સરકાર દરેક યોજનાનો લાભ તમામ પાત્રતા ધરાવતા નાગરિકો સુધી પહોંચે તે માટે કામગીરી કરી રહી છે. તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ લોકોના ઘર સુધી જઇને લાભાર્થીઓને ફલેગશીપ યોજનાનો મહત્તમ લાભ આપવામાં આવ્યો છે. તે જ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કોઇપણ વ્યક્તિ ઘરવિહોણી ન રહે તે માટેના પ્રયાસો કરાઇ રહ્યા છે. તેમણે આ તકે નાગરિકોને સોલાર રૂફટોપ સ્કીમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ તકે મહાનુભાવોના વરદહસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓએ આવાસ યોજનાનો સુખદ્ અનુભવ વર્ણવતા પોતાનો પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવાદ સહિતના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ એલ.ઈ.ડી. સ્ક્રિન પર પ્રધાનમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ અને મોરબી, વાપી, રાજકોટ સહિતના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રસ્તૃતિ સાથે ક્વિઝ અને ગુજરાતની વિકાસગાથા આલેખતી અને સરકારની લોકકલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી આપતી વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું.
કાર્યક્રમમાં આગેવાનશ્રીઓ ભીમજીભાઇ જોધાણી, બાલકૃષ્ણ મોતા, હઠુભા જાડેજા, દિલીપભાઇ શાહ, ઉપેન્દ્ર ઉપાધ્યાય તથા નોડલ ઓફિસર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી નિકુંજ પારેખ, નાયબ કલેકટરશ્રી અનિલ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયાબેન પ્રજાપતિ સહિત અધિકારીશ્રીઓ, અગ્રણીઓ મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.