રાજ્યમાં કોરોનાનાં પગલે સરકારે આંતર રાષ્ટ્રીય પતંગમહોત્સવ રદ કર્યો

ઉત્તરાયણને લઈ રૂપાણી સરકાર ખાસ SOP જાહેર કરે તેવી શક્યતા

ઉતરાયણનાં તહેવાર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સમગ્ર ગુજરાતમાં રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના નિર્ણય બાબતે કેબિનેટના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં આ વર્ષે પતંગ મહોત્સવની ઉજવણી નહિં કરવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા દિવાળી બાદ કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. આ ઉપરાંત જો પતંગ મહોત્સવ થાય તો સોશિયલ ડિસ્ટન્સના ચિથરા ઉડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થવાને લઈ રાજ્ય સરકારે પતંગ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા 10થી વધુ જિલ્લાઓમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવામાં આવે છે, પરંતું આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને પતંગ મહોત્સવ રદ કર્યો છે.
અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં 14મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ધાબા ઉપર વધુમાં વધુ લોકો ભેગા ન થાય તે બાબતે પણ રાજ્ય સરકારે ખાસ એસ.ઓ.પી. જાહેર કરે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જો રાજ્ય સરકાર નવી એસ.ઓ.પી. ફક્ત ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને જાહેર કરશે તો પોલીસને ધાબા ઉપર જઈને ચેકિંગ કરવાની પણ ફરજ પડશે. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિ પોતાના ધાબા ઉપર જઈને ઉત્તરાયણ ઉજવી શકશે તેવો પણ નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
રાજ્યમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં દિવસેને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ પરિસ્થિતિ કાબૂ બહાર હતી પરંતુ રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે રાત્રે કર્ફ્યું મૂકીને પરિસ્થિતિને કન્ટ્રોલમાં કરી છે તે બાબતે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારના લીધેલ પગલા બાબતે સારૂ વલણ દાખવ્યું છે. જ્યારે પતંગ મહોત્સવ આ બાબતે પણ રાજ્ય સરકારને ટકોર કરી હતી ત્યારે હવે રાજ્ય સરકારે અમદાવાદમાં યોજવામાં આવતો આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ પણ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *