રાજ્યમાં મોરબીમાં 30 ઓક્ટોબર, 2022એ એક સસ્પેશન પૂલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં.આ મામલે બ્રિજનું મેઇનટેનન્સ કરવાવાલી કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ છેલ્લા 14 મહિનાથી જેલમાં હતા. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે તેમને શરતી જામીન આપી દીધા હતા. જોકે તેઓ વિદેશ નહીં જઈ શકે.
આ પૂલ દુર્ઘટના બાદ જયસુખ પટેલ મહિનાઓ સુધી ગુમ થઈ ગયા હતા, પરંતુ તેઓ 2023માં જાન્યુઆરીમાં હાજર થયા હતા અને ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. જયસુખ પટેલે જામીન માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તેથી તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ મુકુલ રોહતગી અને ગુજરાતના વકીલ નિરુપમ નાણાવટીએ દલીલો કરી હતી. સુપ્રીમ કોર્ટની બે જજોની બેંચે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે.
આ કેસમાં 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતુ. ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનું SITનો રિપોર્ટ છે.
જયસુખ પટેલને જામીન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ હાઈકોર્ટને અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, જયસુખ પટેલને જામીન મળે તેની સામે સરકારને કોઈ વાંધો નથી. સરકારના આ વલણથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો ઘણા નારાજ થયા હતા. તેમણે આ કેસના સરકારી વકીલ મિતેશ અમીનને હટાવવાની માગણી કરતો એક પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો.