મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબીના કબીરધામ, નાની વાવડી ખાતે પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની ભક્તિ સભર શૈલી માં આયોજિત રામકથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું.
આ માનસ શ્રદ્ધાંજલિ કથા નું આયોજન મોરબી પૂલ દુઘર્ટનાના દિવંગત આત્માઓના મોક્ષ અર્થે કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ દિવાંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મોરબી પૂલ દુર્ઘટનાના દિવંગતોની મોક્ષ પ્રાપ્તિ માટે આ માનસ શ્રદ્ધાંજલિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું પણ પ્રાર્થના કરું છું. પૂજ્યશ્રી મોરારી બાપુની ૯૨૪ મી રામ કથા શ્રવણ કરવાની પોતાને મળેલી તક ને મુખ્યમંત્રીશ્રીએ સૌભાગ્ય તક ગણાવી હતી.
તેમણે મોરારી બાપુની કથાના શ્રવણથી સત્ય, પ્રેમ, કરુણા અને રામ નામ થકી સૌનું જીવન સાર્થક બને તેવી પણ અપેક્ષા વ્યક્ત કરી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે તે સ્વપ્ન સાકાર થાય તેવી પ્રાર્થના વ્યાસપીઠ સમક્ષ નત મસ્તકે કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા, કબીરધામના મહંતશ્રી શિવરામદાસજી મહારાજ, અગ્રણી સર્વશ્રી જયંતીભાઈ ભાડેસીયા, રણછોડભાઈ દલવાડી, દીપિકાબેન સરડવા, યજમાન પરિવારો, નગર શ્રેષ્ઠીઓ અને નગરજનો તેમજ બહોળી સંખ્યામાં કથાના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.