મુંદરા નગરમાં ભાજપ શાસિત સુધરાઇ દ્વારા વ્યાપકપણે ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આરોપ સાથે આજે શહેર કોંગ્રેસે ગ્રાન્ટોના વપરાશમાં ભેદભાવ, નબળી ગુણવત્તાના વિકાસકામો, બગીચાના કામોમાં મીલીભગત, કોન્ટ્રાક્ટરો દ્વારા શરતોનું પાલન ન થવું જેવી ફરિયાદો ઉઠાવી હતી. મુંદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો કાનજી ડી. સોંધરા અને દેવેન્દ્રાસિંહ બી. જાડેજા સહિત આગેવાનોએ પોતાની સહી સાથે મુખ્ય અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી હતી કે, મુંદરા બારોઈ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર તેમજ વિવિધ સમસ્યાઓથી નગરજનો ત્રસ્ત છે, જે કાંઈ ગ્રાન્ટ આવે છે તેમાં કોંગ્રેસના કાઉન્સિલરોના કામ થતા નથી, શહેરી વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારની ગ્રાન્ટોમાંથી ચાલતા રોડ-રસ્તા-ગટરના કામોમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવે છે, વિકાસકામોમાં લઘુમતી-પછાતવર્ગ વિસ્તારો પ્રત્યે ભેદભાવ રખાય છે, પાણી માટે આવેલી 20 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ અસમાન થાય છે, ડોર ટુ ડોર કચરા ઉપાડવાની વ્યવસ્થામાં પેટા કોન્ટ્રાક્ટર પદ્ધતિ છે અને નિયમ વિરૂદ્ધ કામ થાય છે, બાંધકામ શાખા દ્વારા નિયમો વિરૂદ્ધ પરવાનગી અપાય છે અને ચોક્કસ ઈજનેર મારફતે જ ફાઈલો રજૂ કરવાનો આગ્રહ કરાય છે, જેરામસર તળાવ કામગીરી સામે પણ તપાસ થવી જોઈએ. અલગ અલગ 16 મુદ્દા સાથેના આ પત્રમાં વધુમાં માગણીઓ મૂકવામાં આવી હતી. આ રજૂઆતમાં કોંગ્રેસ આગેવાનો ઇમરાન જત, ભરત પાતારીયા, જાવેદ પઠાણ, અનવર ખત્રી, હરેશ મોથારીયા, રમેશ મહેશ્વરી, ભગુભા જાડેજા, નિમિતાબેન પાતારીયા, ઈસ્માઈલશા સૈયદ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.