આવતીકાલે ૫મી સપ્ટેમ્બરને મંગળવારે માંડવી તાલુકાની હુંદરાઈ બાગ વાડી વિસ્તારની પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ મોતાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ના હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થશે
અત્યાર સુધી કચ્છના 32 શિક્ષકો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવામાં ભાગ્યશાળી બન્યા.
નવી દિલ્હી મધ્યે વિજ્ઞાન ભવનમાં શિક્ષક દિને સમગ્ર ભારતના કુલ 50 (પચાસ) શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થશે.
માંડવી તાલુકાની હુંદરાઈ બાગ વાડી વિસ્તારની પ્રાથમિક શાળાના આચાર્ય દીપકભાઈ જેઠાલાલ મોતાને આવતીકાલે શિક્ષક દિને તા. ૦૫/૦૯/૨૦૨૩ ને મંગળવારના રોજ નવી દિલ્હી મધ્યે પ્રમાણપત્ર, 50 હજાર રૂપિયાનો પુરસ્કાર તથા રાષ્ટ્રપતિ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુૅના હસ્તે એનાયત થનાર હોવાનું ગુજરાત રાજ્ય ટીચર્સ ફેડરેશનના સંગઠન મંત્રી અને 2013 ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવી ચૂકેલા દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દીપકભાઈ મોતા સહિત કચ્છ જિલ્લાના પ્રાથમિક શાળાના 21 શિક્ષકો અને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના 11 શિક્ષકો મળી કુલ ૩૨ શિક્ષકો રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવવા ભાગ્યશાળી બનીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ છે.
આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પ્રાથમિક વિભાગમાં એકમાત્ર દીપકભાઈ મોતાને જ રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. માધ્યમિક વિભાગમાં પણ એકમાત્ર સુરતના ડો. રીટાબેન ફૂલવાલાને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયેલ છે.