માંડવીમાં ધનતેરસ ના ફટાકડા બહિષ્કારની પ્રભાતફેરીમાં સમસ્ત જૈન સમાજના પાંચેગચ્છના બાળકો જોડાયા
આવતીકાલે કાળીચૌદસ અને રવિવારના દિવાળીના દિવસે પણ પ્રભાત ફેરી નીકળશે. જૈન જાગૃતિ સેન્ટર માંડવી અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળનું સંયુક્ત આયોજન.
પ્રભાતફેરીમાં ઠેર ઠેર દાતાઓ તરફથી પ્રભાવના કરી બાળકોને પ્રોત્સાહિત કરાયા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન જાગૃતિ સેન્ટર – માંડવી અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળ માંડવી દ્વારા આજે ધનતેરસને તા.10/11 ને શુક્રવારના ફટાકડા બહિષ્કારની નીકળેલી પ્રભાત ફેરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના કુમાર અને કન્યાઓ જોડાયા હતા.
આજે ધનતેરસના આઠકોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન ધર્મ સ્થાનક પાસે, મોટી પક્ષના પરમ પૂજ્ય અર્ચનાબાઈ મહાસતીએ માંગલિક શ્રવણ કરાવી, ફટાકડા ફોડવાથી થતા નુકસાન વિશે વિસ્તૃત સમજણ આપી હતી.
આજે જય જિનેન્દ્ર ભક્તિ મંડળના અગ્રણી તેમજ સમાજ રત્ન એવોર્ડ વિજેતા રાજેન્દ્રભાઈ ભાછા(શાહ) એ પ્રભાતફેરીને સ્ટાર્ટ આપેલ હતો. આ પ્રસંગે જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ નીતિનભાઈ જે. ગાંધી, મંત્રી રાજુભાઈ એચ. શાહ, પ્રશાંતભાઈ પટવા, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જૈન અગ્રણી દિનેશભાઈ શાહ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ, ડો. નિમેષભાઈ મહેતા, નગર સેવક પારસભાઈ સંઘવી, છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ શાહ, ખજાનચી જયેશભાઈ જી. શાહ તેમજ પ્રવીણભાઈ સંઘવી સહિત જૈન અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઢોલ અને શરણાઈના નાદ સાથે ફટાકડા બહિષ્કારના નારા સાથે નીકળેલી આ પ્રભાતફેરીએ નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું.
આઠ કોટી મોટી પક્ષના ધર્મસ્થાન પાસેથી નીકળેલી ફટાકડા બહિષ્કારની આ પ્રભાતફેરી આઝાદ ચોક, પટવા બ્રધર્સ, શેઠવાળી શેરી, છાપરા શેરી થઈને આઠ કોટી મોટી પક્ષની વંડી સુધી પહોંચી હતી.
આજે આ પ્રભાત ફેરીમાં જોડાયેલા બાળકોને પુવાૅ રાજીવ શાહ, ક્રિયા પ્રશાંત પટવા, યશવી નીતિન ગાંધી, ઝરણ શાહ, રાજ ઓટોવાળા હિતેશભાઈ, ધ્રુવમ ભૂષણભાઈ, તરુણભાઈ મહેતા, મીત શાહ, જીતુભાઈ દોશી, જૈમીન દોશી, નીપાબેન જયેશભાઈ શાહ અને ગૌતમ સુરેશભાઈ મહેતા સહિત ૧૨ દાતાઓ તરફથી પ્રભાવના આપી પ્રોત્સાહિત કરાવ્યા હોવાનું દિનેશભાઈ શાહ અને જયેશભાઇ જી. શાહે જણાવ્યું હતું.
આવતીકાલે શનિવારે કાળી ચૌદસના બાબાવાડીના સુમતિનાથ કોમ્પ્લેક્સ પાસેથી ફટાકડા બહિષ્કારની પ્રભાત ફેરી નીકળશે.