માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર મામલતદાર કચેરી મધ્યે સમીક્ષા બેઠક બોલાવાઇ

તંત્ર દ્વારા 25 ટીમ બનાવી શહેરના વિવિધ સ્થળે નિરીક્ષણ કરી અને વાકેફ કરાશે જેમાં ખાણી-પીણી, હોટલ, રેસ્ટોરન્ટ, લોજ, બરફના કારખાના, કોલ્ડ સ્ટોરેજ તથા કાયમી પાણી ભરાઇ રહેતું હોય તેવી જગ્યાઓ સહિતની મુલાકાત કરાશે

માંડવીમાં ઝાડા-ઉલ્ટીના કેસો વધતાં તંત્ર દ્વારા માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું હતું જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા મામલતદાર કચેરી મધ્યે તેમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક બોલાવાઇ હતી જેમાં આરોગ્ય વિભાગ, માંડવી સુધરાઇના અધિકારીઓ અને પ્રતિનિધિઓ હાજર રહી વિવિધ ટીમો બનાવી તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા તંત્ર દ્વારા નક્કી કરાયું હતું જેના માટે તંત્ર દ્વારા 25 ટીમ બનાવી શહેરના વિવિધ સ્થળે નિરીક્ષણ કરી અને વાકેફ કરાશે જેમાં ખાણી-પીણી, હોટલ, રેસ્ટોરન્ટ, લોજ, બરફના કારખાના, કોલ્ડ સ્ટોરેજ તથા કાયમી પાણી ભરાઇ રહેતું હોય તેવી જગ્યાઓ સહિતની મુલાકાત કરાશે તેવું તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડો. પાસવાને જણાવ્યું હતું અને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે માંડવી મામલતદાર વિનોદભાઇ ગોકલાણીની નિમણૂક કરાઇ હતી.

 મુખ્યત્વે માંડવીના સલાયા, રામેશ્વર વિસ્તારમાં આવા કેસો નોંધાયા છે અને હાલમાં માત્ર ચાર જ કેસ છે તેવું શ્રી પાસવાને જણાવ્યું હતું. આ અંગે મામલતદાર વિનોદભાઇ ગોકલાણીએ જણાવ્યું હતું કે, પાણીજન્ય ફેલાતા આ રોગ સામે તંત્ર સાવચેત બન્યું છે અને સાવચેતીના પગલાં માટે આરોગ્ય, સુધરાઇ તથા સ્થાનિક તંત્રનો સહયોગ મળી રહ્યો છે. આ અંગે માંડવીના ખાનગી તબીબ ડો. કાંતિલાલ રામજીઆણીએ જણાવ્યું હતું કે, માંડવીને જ્યારે કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે ત્યારે વધુ પાણી અને તે પણ ઉકાળેલું પાણી પીવું જોઇએ અને બહારનો ખોરાક લેવાનું ટાળવું જોઇએ અને ઘરનો સાત્ત્વિક ખોરાક લેવો જોઇએ તથા અમને પણ તંત્ર દ્વારા આવા કેસો આવે તો મોબાઇલ નંબર સહિત તમામ માહિતી તંત્રને આપવા સૂચના અપાઇ છે જેથી તંત્ર તેના સામે પગલાં લઇ શકે. આ અંગે માંડવીના સ્વાસ્થય ઓફિસર (ગોધરા પી.એચ.સી.)ના ડો. દર્શકભાઇ કાકળિયાએ જણાવ્યું હતું કે, કોલેરા પાણીજન્ય રોગ છે, જેના માટે શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવાથી આ રોગમાંથી બચી શકાય છે તેવું ઉમેર્યું હતું. આ અંગે માંડવીના હોમિયોપેથી ડો. મનોજ માકાણીએ જણાવ્યું હતું કે, ઝાડા-ઉલ્ટીના લીધે શરીરમાં પાણી ઘટે છે ત્યારે આવા કેસોમાં લીંબુ પાણી, શક્કરવાળું પાણી સતત પીવાની કાળજી રાખવા કહ્યું હતું અને ઘરમાં શાકભાજી, ફ્રુટ વગેરે પાણીથી ધોઇ અને ઉપયોગમાં લેવા, હાથ સાબુથી સાફ કરીને જમવા સહિતની કાળજી લેવાથી કોલેરાથી બચી શકાય છે તેવું ઉમેર્યું હતું. 

આ અંગે માંડવીના ધારાશાત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સેવા આપી ચૂકેલા ભરતભાઇ એચ. મહેતાએ જણાવ્યું હતું કે, માંડવીમાં અનેક જગ્યાએ ગંદકી ભરેલ પાણી દેખાઇ રહ્યા છે અને એવા પણ આક્ષેપ થઇ રહ્યા છે કે ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જાય છે, જેથી તેના સામે તંત્રને વહેલી તકે સાવચેત થવું પડશે. માંડવીની જી.ટી. તથા ત્રણ ટુક્કર હાઇસ્કૂલ તથા સ્વામિનારાયણ મંદિર નજીક, પ્રાઇવેટ હોસ્પિટલોની સામે નાલામાં કાદવ-કીચડવાળું પાણી ભરાયેલ પડયું છે પણ તંત્ર જાગૃત નથી થતું. પછી પ્રજાને ભોગવવું પડે છે. હવે તંત્ર જાગૃત બને, જંતુનાશક દવાઓના છંટકાવ સાથે સફાઇ અભિયાન હાથ ધરે તે જરૂરી બન્યું છે. 

માંડવીમાં મળેલ બેઠકમાં ચીફઓફિસર સંજયભાઇ પટેલ, સુધરાઇના હેડક્લાર્ક ચેતનભાઇ જોષી, સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશભાઇ ભેદા તથા આરોગ્યની ટીમ વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *