માંડવી શહેરી વિસ્તારની તમામ મિલકતોનો રેકર્ડ રાખતી મહત્ત્વની એવી માંડવીની સિટી સર્વે કચેરી ક્યારેક બંધ તો ક્યારેક ખુલ્લી રહેતી હોવાથી અરજદારોને મુશ્કેલી થતી હોવાની ફરિયાદ ઊઠી છે.
સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટની જગ્યા લાંબા સમયથી ખાલી રહેતાં આ સ્થિતિ સર્જાઈ છે. લોકોના જણાવ્યા પ્રમાણે અત્યારે અન્ય તાલુકાના અધિકારીને ચાર્જ અપાયો છે. પરંતુ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ માંડ કચેરી ખૂલે છે. જેને કારણે મિલકતને લગતાં નાગરિકોનાં કામ ટલ્લે ચડે છે. રોજ ધરમધક્કા થાય છે.
આ અંગે વોર્ડ-1ના સર્વેયર બ્રિજેશ પટેલનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમને અંજાર સાથે માંડવીનો હવાલો અપાયો છે. તેથી તેઓ બુધવાર અને શનિવારે અહીં આવે છે. જ્યારે વોર્ડ-2ના ઈન્ચાર્જ મહેશભાઈ મહેશ્વરીને પણ વધારાનો ચાર્જ હોવાથી તેઓ મંગળવાર અને શુક્રવારે માંડવી આવે છે.
જેમને કાયમી ચાર્જ અપાયો હતો તેઓ અન્ય સ્થળે સર્વેમાં હોવાથી અહીં કાયમી અધિકારી પણ નથી, પરિણામે અમુક દિવસ ઓફિસ બંધ રહે છે. દરમ્યાન ઘણા સમયથી માંડવી મામલતદારની જગ્યા પણ ખાલી છે, ત્યાં પણ ચાર્જથી વહીવટ ચાલે છે. શહેરીજનો સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ તથા મામલતદારની તત્કાળ કાયમી નિમણૂકની માંગ કરી રહ્યા છે.