માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની બે દિવસીય ઉજવણીનો શુભારંભ થયો.અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ. સુરત, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લાની દિવ્યાંગોની ટીમ ગઈકાલે શુક્રવારે માંડવી પહોંચી આવી.
અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે માંડવીમાં છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા “અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી”ના ઉપક્રમે વિશ્વ દિવ્યાંગ દિવસની બે દિવસીય ઉજવણીનો આજરોજ તા. 02/12 ને શનિવારથી શુભારંભ થયો છે.
સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઇ મીરે કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા ઉપરાંત સુરત, સુરેન્દ્રનગર અને ગાંધીનગરના દિવ્યાંગો ગઈકાલે તા. 01/12ને શુક્રવારના બપોરથી જ માંડવી પહોંચી આવ્યા છે. તમામ દિવ્યાંગો માટે રહેવા માટે લોહાણા બાળાશ્રમ (પોસ્ટ ઓફિસ પાસે) માંડવીમાં વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈ સાલની જેમ ચાલુ વર્ષે પણ લોહાણા બાળાશ્રમના પ્રમુખશ્રી હરીશભાઈ ગણાત્રા અને તેમની કારોબારી તરફથી સંસ્થાને નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપેલ છે.
દિવ્યાંગો ની ક્રિકેટ ટુર્નામેન્ટ નો ટોસ મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી શ્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણીએ ઉછાળ્યો હતો. વાગડ અંધજન મંડળ (રાપર) અને કચ્છ સુપરસ્ટાર (સમગ્ર કચ્છ)ની ટીમમાં કચ્છ સુપરસ્ટાર ટીમના કેપ્ટન દશરથભાઈ આહીર ટોસ જીત્યા હતા. જ્યારે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી અને કચ્છ ઇલેવન (ભુજ)ની ટીમમાંથી કચ્છ ઇલેવનની ટીમના કેપ્ટન અજય ગરવા ટોસ જીત્યા હતા. આ પ્રસંગે નરેન્દ્રભાઈ માંડલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રમતોત્સવના કાર્યક્રમને સુપેડે પાર પાડવા સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી, પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઈ મીર, સહખજાનચી અશ્વિનભાઈ ગજરા, તેમજ ટ્રસ્ટીઓ સર્વશ્રી ડો. ચંદ્રકાંતભાઈ ચોથાણી, દમયંતીબેન બારોટ, અરવિંદભાઈ શાહ, ખુશાલભાઈ બળિયા, કાનજીભાઈ મહેશ્વરી સહિત સંસ્થાના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.