‘મન કી બાત’ 114મો એપિસોડ / ‘મન કી બાત’ કાર્યક્રમને થશે 10 વર્ષ પૂર્ણ

પીએમ મોદીએ કહ્યું કે 3 ઓક્ટોબરે ‘મન કી બાત’ કાર્યક્રમને 10 વર્ષ પૂરા થશે. 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો આ વર્ષે 3 ઓક્ટોબરે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, એ દિવસે નવરાત્રિનો પહેલો દિવસ હશે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર છે. આ કાર્યક્રમને 3 ઓક્ટોબરે 10 વર્ષ પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા ‘મન કી બાત’ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબરે વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી અને આ કેવો પવિત્ર સંયોગ છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ના 10 વર્ષ પૂર્ણ થશે, ત્યારે નવરાત્રીનો પહેલો દિવસ હશે.

આ કાર્યક્રમમાં ઘણા પડાવ, છે જેને હું ભૂલી નહીં શકું: વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ‘મન કી બાત’ની આ લાંબી સફરમાં ઘણા એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહીં શકું. આ કાર્યક્રમના કરોડો શ્રોતાઓ આપણી સફરના એવા સાથી છે, જેમનો મને સતત સહયોગ મળતો રહ્યો. તેમણે દેશના ખૂણે ખૂણેથી માહિતી પૂરી પાડી. તેના શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર છે.

તેમણે કહ્યું કે જ્યારે હું ‘મન કી બાત’ માટે મળેલા પત્રો વાંચું છું ત્યારે મારું હૃદય પણ ગર્વથી ભરાઈ જાય છે. આપણા દેશમાં ઘણા પ્રતિભાશાળી લોકો છે, તેમનામાં દેશ અને સમાજની સેવા કરવાનો કેટલો જુસ્સો છે. એ લોકો પોતાનું આખું જીવન લોકોની સેવામાં નિ:સ્વાર્થ ભાવે સમર્પિત કરી નાખે છે. તેમના વિશે જાણીને હું ઉર્જાથી ભરાઈ જાઉં છું. પીએમ મોદીએ કહ્યું કે મારા માટે ‘મન કી બાત’ની આ સમગ્ર પ્રક્રિયા મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરવા જેવી છે. જ્યારે મને ‘મન કી બાત’ની દરેક વાત, દરેક ઘટના, દરેક અક્ષર યાદ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે હું ભગવાન રૂપી જનતા જનાર્દનના દર્શન કરી રહ્યો છું.

2 ઓક્ટોબરે ‘સ્વચ્છ ભારત મિશન’ને પૂર્ણ થશે 10 વર્ષ

વડાપ્રધાને કહ્યું કે 2 ઓક્ટોબરે ‘સ્વચ્છ ભારત મિશન’ના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોને અભિનંદન આપવાનો છે, જેમણે આને ભારતીય ઇતિહાસમાં આટલું મોટું જન આંદોલન બનાવી દીધું. આ મહાત્મા ગાંધીજીને પણ સાચી શ્રદ્ધાંજલિ છે, જેઓ જીવનભર આ હેતુ માટે સમર્પિત રહ્યા. સ્વચ્છતાને લઈને ચાલી રહેલા અભિયાનમાં આપણે બને તેટલા લોકોને જોડવાના છે અને આ અભિયાન એક દિવસ કે એક વર્ષનું નથી, આ યુગો-યુગો સુધી સતત ચાલતું કાર્ય છે. આ જ્યાં સુધી આપણો સ્વભાવ બની જાય ‘સ્વચ્છતા’ ત્યાં સુધી કરવાનું કામ છે.

અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી

પીએમ મોદીએ કહ્યું કે તેમની યુએસ મુલાકાત દરમિયાન યુએસ સરકારે લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી છે. રાષ્ટ્રપતિ બાઇડને મને આમાંથી કેટલીક કલાકૃતિઓ ડેલાવેરમાં તેમના અંગત નિવાસસ્થાનમાં બતાવી. પરત કરવામાં આવેલી કલાકૃતિઓ પથ્થર, હાથીદાંત, લાકડું, તાંબુ અને કાંસ્ય જેવી સામગ્રીથી બનેલી છે. આમાંની ઘણી કલાકૃતિઓ 4000 વર્ષ જૂની છે. આપણે બધાને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *