
બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ, પાલનપુરથી 34 કિ.મી. દૂર કેન્દ્રબિંદુ, લોકોમાં ગભરાટ ફેલાયો
બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું.
ભૂકંપના આંચકાને કારણે ઈકબાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે આ ભૂકંપમાં કોઈ જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાનો કોઈ અહેવાલ નોંધાયા નથી.
દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ
બનાસકાંઠા જિલ્લાની ધરા ત્રણ મહિના બાદ આજે ફરી ધ્રુજી હતી. આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 3.3 કિલોમીટરની ઊંડાઈ પર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 નોંધાઈ છે. દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. જોકે, ભૂકંપને લઈ અત્યારસુધી કોઈ જાનહાનિ કે નુકસાન થયું હોવાના અહેવાસ સામે આવ્યાં નથી.
ત્રણ મહિના પહેલા 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આજથી ત્રણ મહિના પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આચકો આવ્યો હતો. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 4.2ની તીવ્રતાનો આંચકો પાટણ, પાલનપુર, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં અનુભવાયા હતા. જેનું પાટણથી 13 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં કેન્દ્ર બિંદુ હતું. રાત્રે 10.16 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.