ભચાઉ તાલુકાના ચોબારીના ગ્રામજનોએ જીવદયા નું કામ કરી ધનતેરસની પ્રેરણાદાયી વિશિષ્ટ ઉજવણી કરી
જૈન સંતોની નિશ્રામાં મનફરાની પાંજરાપોળના મૂંગા પશુઓ માટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)નો ચેક અર્પણ કર્યો.
ભચાઉ તાલુકા ની પાવનભૂમિ મનફરા શાંતિનિકેતનમાં જૈનાચાર્ય મુક્તિચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, જૈનાચાર્ય મુનીચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ અને જૈનાચાર્ય અનંતયશ સુરીશ્વરજી મહારાજ સાહેબ આદી વિશાળ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં મનફરા મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાઇ રહ્યા છે. દરમિયાન ધનતેરસને તા. 10/11 ને શુક્રવારના રોજ ભચાઉ તાલુકાના ચોબારી ના ગ્રામજનોએ જૈન સંતોની નિશ્રામાં મનફરા ની પાંજરાપોળના મૂંગા પશુઓ માટે રૂપિયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)નો ચેક અર્પણ કરીને, ધનતેરસની પ્રેરણાદાયી વિશિષ્ટ રીતે ઉજવણી કરી હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
તાજેતરમાં ધનતેરસના દિવસે પૂજ્ય મુનિરાજ શ્રી અનંતચારિત્ર વિજય મહારાજ સાહેબ તથા મુનિરાજ શ્રી મુક્તિપરાગ વિજય મહારાજ સાહેબ તથા (બાળમુનિ) શ્રી મુક્તિકળશ વિજય મહારાજ સાહેબ ની નિશ્રામાં મનફરાની પાંજરાપોળમાં એક ખાસ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના આચાર્ય સાજનભાઈ સાથે પ્રાથમિક શાળાના 80 વિદ્યાર્થીઓને જૈન સંતોને જીનવાણીનું શ્રવણ કરાવેલ હતું. આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકાના ચોબારી ગામના ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં સમસ્ત ચોબારી ગામના ગ્રામજનો તરફથી શ્રી રામ મંદિર (જૂના ગામ)ના નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભાગવત કથામાં જીવ દયા માટે એકઠા થયેલા રૂપિયા ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ)નો ચેક મનફરાની પાંજરાપોળના મૂંગા પશુઓ માટે મનફરા પાંજરાપોળના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ગડાને જૈન સંતોની નિશ્રામાં અર્પણ કર્યો હતો. સમસ્ત ચોબારી ગ્રામજનો તરફથી મનફરાની પાંજરાપોળને રૂપિયા ૫,૦૦,૦૦૦/- ની માતબાર રકમનું અનુદાન આપવા બદલ જૈન સંતોએ ચોબારી ગ્રામજનોની અનુમોદના કરી હતી. જ્યારે પાંજરાપોળના ટ્રસ્ટીઓએ આભાર માન્યો હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પુવૅ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.