બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની ગાંધીધામ ખાતે ચાલતી હનુમંત કથામાંથી સમય મેળવીને આજે કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણની મુલાકાત લીધી હતી. બાબા દ્વારા આયોજિત ખાસ મુલાકાત દરમિયાન તેમણે સફેદ રણ વચ્ચે કચ્છી સંગીત રેવાલની પણ મોજ માણી હતી. ત્યારબાદ બાબાએ સરહદે બીએસએફ ચોકી નજીક આવેલા ભેળીયાબેટ ખાતેના હનુમાનજી મંદિરે પહોંચી દાદાની મૂર્તિના દર્શન કર્યા હતા. આ વેળાએ બીએસએફના જવાનો બાબાની સાથે રહ્યા હતા. બાબાએ સેનાના જવાનોને મળી તેમની દેસસેવાને બિરદાવી ઉત્સાહમાં વધારો કર્યો હતો. તેમની મુલાકાતથી રણ સરહદે રોનક છવાઈ ગઈ હતી.
બાગેશ્વર ધામના પીઠાધિપતિ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છમાં પ્રથમ વખત ગાંધીધામ ખાતે પોતાની હનુમંત કથા યોજી રહ્યા છે. પાંચ દિવસીય કથાના આજે બુધવારે ચોથા દિવસે તેમણે કથામાંથી સમય મેળવી કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત લીધી હતી. સફેદ રણના સૌંદર્ય ઉપર ખુશી વ્યક્ત કરતા બાબાએ કચ્છી હસ્તકળા, કચ્છી સંગીત અને સંસ્કૃતિ નીહાળી કચ્છ પ્રત્યે અભિભૂત થયા હતા. સફેદ રણની સુંદરતને નજીકથી જોવા તેમણે શણગારેલી ઊંટ ગાડીમાં બેસી રણની સફર કરી હતી. આ સમયે બીએસએફના અધિકારીઓ અને જવાનો તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ભેડિયા બેટ સ્થિત હનુમાનજી મંદિરના દર્શન કર્યા હતા.