ગળથૂથીમાં મળેલી ચિત્રકળાને સીમાઓ પાર પહોંચાડનાર મૂળ રાપર તાલુકાનાં ભિમાસર ગામનાં વતની અને વર્ષોથી અમદાવાદના મણિનગર વિસ્તારમાં સ્થાઈ થયેલા બાબુલાલ ઝીણાભાઈ સોનીનું આજે 73 વર્ષની ઉમરમાં નિધન થતાં પરિવાર સાથે તેમના બહોળા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. સદ્દગતના નિધનથી સંતો, મહંતો, સાહિત્યકાર, કલા જગતના નાના મોટા તમામ લોકોએ વિવિધ માધ્યમો વડે પોતાની શ્રદ્ધા સુમન સાથે પોતાની લાગણી જાહેર કરી છે.
બાબુલાલ સોની નાનપણથી જ ચિત્ર કળાના જાણકાર હતા. નાનપણમાં તેમણે આસપાસના જૈન દેરાસરોમાં નોકરી પણ કરેલી અને બાદમાં સ્વામિનારાયણ સંતોની શીખ મુજબ ચિત્ર કળામાં આગળ વધ્યા, તેમાં તેમના મોટા ભાઈ રામચંદ્ર ભાઈએ પીંછી પકડાવી અને ભુજના લાલજી ભાઈ સોનીએ પ્રેરણા પૂરી પાડી તેમાં પારંગત બનાવ્યા.ચિત્રકલામાં નિપુણતા હાશિલ કરવા સાથે વિવિધ કળા જગતના લોકો સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો. ખાસ કરીને યુકે, અમેરિકા જેવા દેશોમાં સ્થિત સ્વામિનારાણ સંપ્રદાયના મોટા ભાગના મંદિરોમાં તેમના ચિત્રો આજે પણ શોભી રહ્યા છે.
સદ્દગત બાબુભાઈને ગુજરાત ગૌરવ પુરસ્કાર સહિત અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મળી ચૂકયાં છે. પ્રસિદ્ધ ભજનિક પ્રફુલ દવે અને ગુજરાતી કળા જગતના દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદી તેમના અંગત મિત્રો રહ્યા છે. માત્ર ચાર માસ પૂર્વજ તેમણે સાચા એવોર્ડ તો લોકો દ્વારા મળેલા સન્માન ને ગણાવ્યા હતા અને કહ્યું હતું કે હવે અનંતની યાત્રાએ જવાનો સમય આવી રહ્યો છે. તે સમયે એવોર્ડ નહિ પણ ઘર પરિવાર, સમાજ, સંતો, અને લોકો દ્વારા મળેલા અપાર સ્નેહ સાથે ચાલે છે.