પેન્શનર નજીકની પોસ્ટ ઓફિસમાંથી મેળવી શકશે હયાતીનું પ્રમાણપત્ર, 70 રૂપિયા ચૂકવવા પડશે
પેન્શન ધારકોએ ખાનગી કે સરકારી કંપનીમાંથી નિવૃત્તિ બાદ ઈપીએફઓમાંથી પેન્શન મેળવવા માટે દર વર્ષે હયાતીનું સર્ટિફિકેટ આપવું પડે છે. જેના માટે પેન્શન ધારકે જાતે જ જે-તે સંસ્થા કે ઈપીએફઓની ઓફિસ કે બેન્કમાં હાજર થવું પડે છે. જોકે, હવે પોસ્ટ વિભાગની નવી સુવિધાથી ઘરે બેઠા જ આ સર્ટિફિકેટ મેળવી શકાશે. જેના માટે પેન્શન ધારકોએ હયાતીનું સર્ટિફિકેટ મેળવવા માટે કોઈ વિભાગ કે ઓફિસમાં નહીં જવું પડે.
ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (IPPB) સેવા હેઠળ હયાતીના પ્રમાણપત્રની સુવિધા ઘરે બેઠા જ પૂરી પાડવામાં આવશે. જેના માટે સૌથી પહેલાં IPPB ટોલ ફ્રી નંબર 155299 પર કૉલ કરીને નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન/ગ્રામીણ ડાક સેવક નોંધણી કરવાનારના ઘરના સરનામે પહોંચી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે.
ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પેન્શન ધારકે આધાર નંબર અને પેન્શનની વિગત ડાક સેવકને આપવાની રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનર દ્વારા તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. બાદમાં પેન્શન ધારક https://jeevanpramaan.gov.in/ppouser/login
પર જઈને પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન જોઈ શકશે. આ સિવાય પેન્શન ધારક નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પણ પ્રમાણપત્ર મેળવી શકે છે.
આ સિવાય પેન્શન ધારકો ઓનલાઇન ફોન દ્વારા પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. જેના માટે પેન્શન ધારક નીચે મુજબના સ્ટેપ ફોલો કરી જાતે જ પોતાના ફોનમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે.
હયાતીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું?
સૌથી પહેલાં જે ફોનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ઓછામાં ઓછો 5MP કેમેરા સેન્સર હોય તેવો ફોન લેવો.
Google Play Store પરથી AadhFaceRD અને લાઇફ સર્ટિફિકેટ ફેસ એપ ડાઉનલોડ કરો.
ઓપરેટર ઓથેન્ટિકેશન પૂર્ણ કરો અને પેન્શન ધારકનો ચહેરો સ્કેન કરો.
ત્યારબાદ ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરી તમામ જરૂરી તમામ માહિતી સબમિટ કરો.
રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં એક લિંક આવશે, જેના પર ક્લિક કરી હયાતીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
નોંધનીય છે કે, જો લાઇફ સર્ટિફિકેટ નવેમ્બરના અંત સુધીમાં સબમિટ કરવામાં ન આવે તો ડિસેમ્બરથી પેન્શનની ચૂકવણી બંધ થઈ શકે છે. ફેસ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પેન્શનરો ઘરે બેઠા DLC સબમિટ કરી શકે છે. આ માટે તેમને બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર નથી. પેન્શનરો બાયોમેટ્રિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમની ઓળખને પ્રમાણિત કરી શકે છે.
સૌથી અગત્યની વાત છે કે, પેન્શન ધારકનો આધાર નંબર પેન્શન વિતરણ સત્તાધિકાર પાસે અપડેટેડ હોવો જોઈએ. જેના માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી AadhFaceRD અને લાઇફ સર્ટિફિકેટ ફેસ એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે.