
(ગાંધીનગર)
ગાંધીનગર શહેરના વર્ષો જુના એસ.ટી. ડેપોમાં હાલ જે પ્રકારે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમાં વધારો થાય તે માટે તંત્ર દ્વારા ડેપોને અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરાયું છે. ત્યારે સ્માર્ટ સીટીના મુસાફરોને પણ સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે તબક્કાવાર કામગીરી કરવાનું વિચારાધીન છે. તો ડેપોમાં આવેલાં સ્ટેન્ડ સહિત પાર્કિંગ અને વર્કશોપમાં પણ આધુનિક સુવિધાઓ ઉભી થઇ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આગામી દિવસોમાં અભ્યાસ કરીને ડેપોના રીનોવેશનની કામગીરી પણ શરૃ કરાશે.
શહેરની રચના થયાં બાદ એસટીની સુવિધા પ્રાપ્ત થઇ શકે તે માટે સેક્ટર-૧૧માં એસ.ટી. ડેપો બનાવવામાં આવ્યું હતું. ગાંધીનગર – અમદાવાદ વચ્ચે શહેરી બસ સુવિધાનું સંચાલન ડેપો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વર્ષો અગાઉ બનાવેલાં આ ડેપોમાં હજુ પણ ઘણી સુવિધાઓનો અભાવ હોવાના કારણે મુસાફરોને હેરાન પરેશાન થવું પડે છે. ગાંધીનગર શહેર સ્માર્ટ બની રહ્યું છે ત્યારે એસ.ટી. ડેપોમાં પણ સ્માર્ટ સુવિધાઓ ઉભી થાય તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. તબક્કાવાર વિવિધ સુવિધાઓ મુસાફરો માટે શરૃ કરવામાં આવશે. આમ હાલમાં મુસાફરી માટે આવતાં મુસાફરોને પીવાના પાણીની તેમજ બુકીંગ કાઉન્ટર સહિત પાર્કિંગ અને અન્ય સુવિધાઓ જે મળી રહી છે તેમાં વધારો થાય તેમજ ડેપોની આવક વધે તે માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરવામાં આવનાર હતું. સ્માર્ટ સીટી અંતર્ગત ડેપોને અપગ્રેડ કરવામાં આવે તે માટે જરૃરી સુચનો પણ લેવામાં આવશે. આ પ્રક્રિયા પુર્ણ થયા બાદ વિવિધ સુવિધાઓ સાથે ગાંધીનગર ડેપોને અપગ્રેડ કરાશે. અન્ય ડેપોને જે પ્રકારે પી.પી.પી.ના ધોરણે વિકસાવીને સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમ ગાંધીનગર ડેપોમાં પણ મુસાફરોને અવર જવરમાં સરળતાં મળી શકે તેમજ અન્ય વ્યવસ્થા જણવાઇ રહે તે પ્રકારે આયોજન હાથ ધરીને કામગીરી કરવામાં આવશે. સીસીટીવી સહિત તમામ બસોને જીપીએસ સાથે જોડવામાં આવી છે અને તેનું સંચાલન પણ ગાંધીનગર ડેપોમાં થઇ રહ્યું છે. ત્યારે તેનું પણ અપગ્રેડ કરીને શહેરી સુવિધાની બસોને પણ આ પ્રોજેક્ટમાં આવરી લેવાશે તો ઇલેકટ્રીક બસો દોડાવવા માટે જે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તેને પણ વેગ મળે અને સ્માર્ટ ડેપો બની શકે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.