
પત્રકારત્વને કલંક…!
ભુજમાં પત્રકાર જમીન મામલામાં ખંડણી માંગતા ઝડપાયો.
ભુજ: પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરનારી ઘટના સામે આવી છે. ભુજની રેવન્યુ કોલોનીમાં રહેતા પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ નવીનગિરિ દેવગિરિ ગોસ્વામી સામે ખંડણીનો ગુનો દાખલ કરી પોલીસે તેને ઝડપી લીધો છે.
માહિતી મુજબ, શિવજીભાઈ લાલજીભાઈ પિંડોરિયા અને તેમની પત્નીની જમીન સંબંધી નોંધો રદ કરવાની ધમકી આપી ગોસ્વામીએ ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગી હતી. તેમાંથી એક લાખ રૂપિયા પડાવ્યા બાદ વધુ રકમ માટે દબાણ કરવામાં આવતાં પીડિતોએ કાયદાનું શરણું લીધું હતું.
જિલ્લા પોલીસ અધીક્ષકના નિર્દેશ બાદ એલસીબીની ટીમે ઈન્ચાર્જ પીઆઈ એચ. આર. જેઠીની આગેવાનીમાં આરોપીને ઝડપ્યો હતો. તેની સામે માનકૂવા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પોલીસ અનુસાર, ગોસ્વામીએ અગાઉ પણ આ પ્રકારની હરકતો કરી છે કે કેમ અને અન્ય કોઈ તેની સાથે સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ ચાલુ છે. આ માટે કોર્ટમાંથી રિમાન્ડની માગણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં આ જ પત્રકાર તથા તેના સાગરીતોને દારૂના એક ધંધાર્થીએ માર માર્યાનો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો.
વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો