નાગોર ઓવરબ્રિજ પર 2 ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો, કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયર વિભાગે બચાવ્યો

કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો સતત યથાવત રહ્યો છે. આજે ભુજની ભાગોળે ખાવડા તરફના માર્ગે આવેલા નાગોર ઓવરબ્રિજ પર બે ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક ડમ્પરની કેબિનમાં ચાલક ખરાબ રીતે ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, તા. 31/07/2025ના રોજ સવારે 6.45 વાગે નાગોર ઓવર બ્રિજ, સુરલભીટ ચોકડી પાસે બે ટ્રકના અકસ્માતનો કોલ મળ્યો હતો.

ઇ.સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ ભુજ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ વહિકલ તથા મીની ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે વિવિધ રેસ્ક્યુ સાધનોની મદદથી એક કલાકની જહેમત બાદ ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.
ઇજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ભુજ ફાયર વિભાગના મામદ જત (ડી.સી.ઓ), જીગ્નેશ જેઠવા (ડી.સી.ઓ.), રફીક ખલીફા (ફાયરમેન), સત્યજીતસિંહ ઝાલા (ફાયરમેન) તથા જગદીશ દનીચા (ડી.સી.ઓ) જોડાયેલા હતા.