વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પછી હવે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે રવાના થઇ છે. બન્ને દેશ વચ્ચે 18 ઓગસ્ટથી 3 વન ડે મેચની સીરિઝ રમાશે. કેએલ રાહુલની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે માટે ફ્લાઇટ પકડી હતી. આ પ્રવાસમાં પહેલા શિખર ધવનને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં લોકેશ રાહુલ ફિટ થયા બાદ ટીમ સાથે જોડાઇ ગયો હતો અને તેને કેપ્ટન્સી સોપવામાં આવી હતી. આ પ્રવાસમાં વીવીએસ લક્ષ્મણ ટીમના કોચ છે.
બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના ઝિમ્બાબ્વે પ્રવાસની કેટલીક તસવીર શેર કરી છે. જેમાં શિખર ધવન, શાર્દુલ ઠાકુર, દીપક ચહર જોવા મળી રહ્યા છે. વીવીએસ લક્ષ્મણ પણ આ ટીમ સાથે ઝિમ્બાબ્વે ગયો છે. બીસીસીઆઇએ તેની પણ એક તસવીર શેર કરી છે. ભારત 27 ઓગસ્ટથી એશિયા કપમાં ભાગ લેશે. આ કારણે હેડ કોચ રાહુલ દ્રવિડ ઝિમ્બાબ્વેના પ્રવાસે ગયેલી ટીમ સાથે ગયો નથી, તેના સ્થાને એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણને કોચ તરીકે મોકલવામાં આવ્યા છે.
ટીમ ઇન્ડિયાના હરારે પહોચ્યા બાદ રવિવારથી પ્રેક્ટિસ પણ શરૂ કરી દેશે. બન્ને દેશ વચ્ચે 18 ઓગસ્ટથી 3 વન ડે મેચની સીરિઝ રમાશે. ત્રણેય મુકાબલા હરારેમાં રમાશે. ઝિમ્બાબ્વે પ્રવાસ પહેલા ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝ ગઇ હતી. અહી તેને કેરેબિયન ટીમને વન ડે અને ટી-20 સીરિઝમાં હરાવ્યું હતું.
લોકેશ રાહુલ સિવાય દીપક ચહરને પણ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે. તે પણ ઇજાને કારણે ટીમથી 6 મહિના દૂર હતો. એવામાં દીપક ચહર માટે પણ એશિયા કપના હિસાબથી ઝિમ્બાબ્વે પ્રવાસ મહત્વનો છે. જો તે ઝિમ્બાબ્વેમાં સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહે છે તો એશિયા કપની ટીમમાં તેને સામેલ કરવામાં આવી શકે છે. એશિયા કપ માટે જે ટીમની પસંદગી કરવામાં આવી છે તેમાં દીપક ચહરનું નામ નથી.
રાહુલ ત્રિપાઠી અને રૂતુરાજ ગાયકવાડ પણ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ 3 વન ડે મેચની સીરિઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ બન્ને ખેલાડીઓ પાસે ખુદને સાબિત કરવાની તક હશે. રૂતુરાજને આયરલેન્ડ વિરૂદ્ધ ટી-20 સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, આ પ્રવાસમાં તેને બેટિંગની તક મળી નહતી.