નવરાત્રિ એટલે માતાની આરાધનાનો પર્વ. લોકો વિવિધ રીતે માતાજીની આરાધના, પૂજા-અર્ચના કરે છે, ત્યારે વડોદરામાં આવેલા એક મંદિરમાં ગાયત્રી માતાની અનોખી રીતે આરાધના કરવામાં આવે છે. વડોદરાના સેવાસી ખાતે આવેલું ગાયત્રી માતાનું મંદિર ગુજરાતનું એક એવું મંદિર છે કે, જ્યાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન 1,100 દીવડાથી મંદિરને ઝગમગતું કરી દેવામાં આવે છે.
1,100 દીવડાથી ઝગમગતું મંદિર
હિન્દુ ધર્મના પાવન પર્વ નવરાત્રિના તહેવારમાં દરેક લોકોના ઘરે અંખડ દીવડા પ્રગટાવવામાં આવે છે, ત્યારે વડોદરાના સેવાસી ખાતે આવેલા ગાયત્રી માતાના મંદિરમાં એક સાથે એક હજારથી વધુ દીવડાઓ પ્રગટાવીને આખા મંદિરને પ્રકાશમય બનાવવામાં આવે છે.
દીવડામાં શુદ્ધ ગાયના ઘીનો ઉપયોગ
મંદિર પરિસરમાં પ્રગટાવવામાં આવતાં હજારો દીવડાઓમાં 1,200 કિલોગ્રામ ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. આ દીવડાઓની પવિત્રતા જળવાઈ રહે તે માટે તેની 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. જે માટે જુદા જુદા સમયે વિવિધ બ્રાહ્મણો ખાસ સેવા આપે છે. નવરાત્રિના સમયમાં કરાતી માતાજીની આ અનોખી આરાધનાનો લ્હાવો લેવા અને ગાયત્રી માતાના આશીર્વાદ લેવા આ મંદિરે દૂર-દૂરથી લોકો ઉમટે છે.