
દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વે રજૂ થશે ગુજરાતની વિરાસત-વિકાસયાત્રા
ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનર્તપુરના કીર્તિ તોરણથી લઈને 21મી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ ટેકનોલોજી ઓટોમોબાઇલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું નિદર્શન કરવામાં આવ્યું છે. કચ્છ માટી આભલાની કલાકૃતિ પણ શોભા વધારશે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકીકાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમું કિર્તી તોરણ રહેશે. તો છેડે 21મી સદીની શાનસમી 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને દર્શાવવામાં આવી છે. આ બંને વારસાની વચ્ચે રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ રહેશે.ભગવાન બિરસા મુંડાની 150મી જન્મવર્ષની ઉજવણી પ્રસંગે રાજ્યના જનજાતીય ગૌરવ ને દર્શાવતી પિથોરા ચિત્રોની શ્રુંખલા, પૂર્વ વડાપ્રધાન વાજપાયીની 100મી જન્મજયંતીના પ્રતીક સ્વરૂપે અટલ બ્રિજ, દ્વારિકા અને શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનારા અન્ડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃતિઓની સાથે કચ્છી માટી આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને ચાર ચાંદ લગાવશે.આ ઉપરાંત દુહાના તાલે રાજ્યના જોમવંતા મણિયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવ્યો છે.આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ ઔલખ, માહિતી નિયામક કિશોર બચાણી, અધિક નિયામક અરાવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક જીગર ખુંટ યોગદાન આપી રહ્યાં છે.
આ ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના સિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યા છે.