ચેન્નાઈઃ તામિલનાડુ રાજ્યમાં ભાજપને ફટકો પડ્યો છે. અહીં અન્નાદ્રમુક-ભાજપ ગઠબંધનનો અંત આવી ગયો છે. પ્રાદેશિક પાર્ટી અન્નાદ્રમુક (AIADMK – અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નેત્ર કળગમ) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પાર્ટીના સંસ્થાપક સ્વ. એમ.જી. રામચંદ્રનના ગુરુ સ્વ. સી.એન. અન્નાદુરઈ વિશે રાજ્ય ભાજપા પ્રમુખ કે. અન્નામલાઈએ કરેલી ટિપ્પણીથી પાર્ટીમાં નારાજગી ફેલાઈ છે. અન્નાદ્રમુકના નેતા ડી. જયકુમારે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ તો ગઠબંધન ચાલુ રહે એમ ઈચ્છે છે, પણ ભાજપના તામિલનાડુ એકમના પ્રમુખ અન્નામલાઈ કુપુસામીના મનમાં કંઈક જુદી જ ખીચડી રંધાઈ રહી છે. અમે ચૂંટણી પહેલા ગઠબંધન વિશે નિર્ણય લઈશું. આ મારું અંગત નિવેદન નથી, પરંતુ પાર્ટીનું વલણ છે. અમારી પાર્ટી હવે તામિલનાડુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન રાખવા માગતી નથી. અન્નામલાઈ છેલ્લા ઘણા સમયથી અન્નાદ્રમુક પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નિવેદનો કરી રહ્યા છે. તેઓ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે રહેવાને લાયક નથી. અમે અમારા નેતાઓની ટીકા સાંખી નહીં લઈએ. તામિલનાડુમાં હાલ ડીએમકે (દ્રવિડ મુન્નેત્ર કળગમ) પાર્ટીનું શાસન છે.