તમારા ગામમાં કોઇ પરિવાર વ્યાજના ચક્કરમાં ના ફસાય, કોઇનું નાગરિક તરીકે શોષણ ના થાય એ જરૂરી છે- ગૃહ રાજ્ય મંત્રીશ્રી ચૂંટાયેલા લોક પ્રતિનિધિ તરીકે ગ્રામ્ય સમાજના જીવનમાં બદલાવનો અનુરોધ કરતા મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી
“વિકાસ સપ્તાહ “ નિમિત્તે ગાંધીનગર જિલ્લાના રૂ. દસ કરોડના વિકાસ કાર્યોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
ચૂંટાયેલા લોક પ્રતિનિધિ તરીકે ગ્રામ્ય સમાજના જીવનમાં બદલાવનો અનુરોધ કરતા ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે,પોતપોતાના ગામ,વાસ,ગલીઓ કેવી રીતે સ્વચ્છ બને એ વિચારો. ગામની શાળાઓમાં જાવ. રોજ એક કલાક આપો.દરવર્ષે વૃક્ષ વાવીએ-ફોટા પડાવીએ એવું નહીં, વૃક્ષ મોટું થાય એ વ્યવસ્થા કરો. શાળાના ઓરડા સરકાર પાસે માગીએ,પણ બાળકો શાળામાં આવે છે કે નહીં, શાળામાં નાહીને આવે છે કે નહીં,બાળક ઘરે જઇને હાથ –પગ ધોવે છે કે નહીં, એ ચેક પણ કરો.
“વિકાસ સપ્તાહ “ઉજવણીના ભાગરૂપે આજે,ગાંધીનગર જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ડોક્ટર આંબેડકર હોલ, ગાંધીનગર ખાતે, કુલ રૂ.દસ કરોડની રકમના, જિલ્લાના વિવિધ 43 વિકાસ કામોનું ઈ- લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું કે, ગામની નાની શાળાઓમાં ઓરડા બનાવવા,નાના રસ્તા બનાવવાનું કાર્ય સાંસદશ્રી અને બે ધારાસભ્યોએ પૂરું કર્યું છે. પરંતુ તમારા ગામનો કોઇ પરિવાર સરકારી યોજનાઓના લાભોથી વંચિત તો નથી ને, કોઇ પરિવાર કે વ્યક્તિનું શોષણ ના થાય, કોઇ પરિવાર વ્યાજના ચક્કરમાં ના ફસાય ,આ બધા કામો માટે અને ગ્રામ્ય જીવનના સંપૂર્ણ બદલાવ માટે તમે તમારો સમય આપો. સામાજિક આગેવાન કે ચૂંટાયેલા પ્રતિનિધિ છો તો માત્ર વિકાસના લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તથી પૂરું થતું નથી. પ્રત્યેક ગામ, પ્રત્યેક બાળક , પ્રત્યેક નાગરિકના જીવનામાં બદલાવ માટે સમાજ જીવનમાં ઊંડા ઉતરીએ.કોઇ ગમે તેમ બોલે તો પણ સાચું બોલીને ,સાચી દિશામાં કામ કરીએ.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની દેશ અને રાજ્યના તમામ લોકોની ચિંતા અને સમર્પણ વિશે શ્રી જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 12 વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકેના 11 વર્ષ નરેન્દ્ર ભાઈ મોદીએ, સતત ગુજરાત અને દેશની સેવા કરી.દુનિયામાં કોઇ એવી વ્યક્તિ નથી જેમણે ૨૩ વર્ષ સુધી ગરીબો, વંચિતો, ખેડૂતો, મહિલાઓ, બાળકોના કલ્યાણ માટે પોતાનું જીવનની આપ્યું હોય. આજે પણ શ્રી નરેંદ્ર ભાઇ વડાપ્રધાન તરીકે સતત કાર્યરત છે. એમના સફળ અને સક્ષમ નેતૃત્વના કાર્યકાળને, 7 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ” , તરીકે ગુજરાત સરકાર ઉજવી રહી છે.હવેથી પ્રતિ વર્ષ અલગ-અલગ થીમ ઉપર 7 થી 15 ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ “ ઉજવવાનું ગુજરાત સરકારે નક્કી કર્યું છે.
રમત- ગમત મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેંદ્ર ભાઇની કાર્ય પદ્ધતિ અંગે જણાવ્યું હતું કે, તેમના નિર્ણૅયોને લીધે આજે ૧૦૦ વિદેશી કંપનીઓ ગુજરાતમાં કામ કરી રહી છે. શ્રી નરેંદ્ર ભાઇ એક એવી વ્યક્તિ ,જેણે ગુજરાતના કરોડો નાગરિકોના હક માટે,લોકો સાથે મળીને, વિકાસ માટે સંઘર્ષ શરૂ કર્યો, આંદોલનો કર્યા. ગુજરાતને વિશ્વ ફલક ઉપર પહોંચાડવા માટે કામ કર્યું.એક એવા નેતા જેમણે રાજ્યના પ્રત્યેક સામાન્ય નાગરિકો અને પરિવાર માટે કામ કરીને, “સબકા સાથ,સબકા વિકાસ” સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું.તેમણે પોલિસીઓ બદલી,ગામડે ગામડે નર્મદાનાં નીર પહોંચાડ્યાં. નિર્ણયો લીધા,અને ગુજરાતને વિકાસનું હબ બનાવ્યું.આજે ગુજરાત યુવાનોને રોજગારી આપતું દેશનું નં.1 રાજ્ય છે.
ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ, કેંદ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઇના લીધે,ગાંધીનગરની જનતાને મળેલા વિકાસ કાર્યો માટે જણાવ્યું હતું કે,દેશના ગૃહ મંત્રી તરીકે અતિ વ્યસ્ત હોવા છતા તેઓ, પ્રતિ માસ ગુજરાતના મતદારોને મળવા આવે છે. તેમણે નાના ગામોમાં તળાવો બનાવ્યાં,હોસ્પિટલો બનાવી,આવા નેતા નસીબદારને જ મળે.
શિક્ષણ વિભાગની સ્કૂલ ઓફ એકસલન્સ યોજના હેઠળ ,અંતરિયાળ શાળાના નવીન ઓરડાઓ, બાળકોના ભણતરમાં વધારો કરવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા,ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકામાં કુલ ૫ શાળાઓમાં રૂ.૫.૬૨ કરોડના ખર્ચે, ૩૩ નવીન ઓરડાઓ તેમજ ગાંધીનગર તાલુકાની ૨ શાળાઓમાં ૪ વર્ગખંડનું રૂ.૦.૬૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા હતા., જેનું ઇ-લોકાર્પણ કરાયું હતું.તેમજ દહેગામ તાલુકામાં કરોલી ગામે પ્રાથમિક શાળાના નવીન ૧૩ વર્ગખંડનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારની વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈ અંતર્ગત ગાંધીનગર તાલુકાના જુદા જુદા ગામો (પાલજ, પ્રાંતિયા, વજાપુરા, છાલા, દશેલા, લીંબડીયા, ગલુદણ, મેદરા નવા ધરમપુર, આલમપુર, મગોડી) વગેરે ગામે સી. સી. રોડ, પેવર બ્લોક , સંરક્ષણ દિવાલ અને સ્મશાનના નવીન મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત અને સ્થળ ઉ૫ર પૂર્ણ થયેલા હોય તેવા કુલ ૭ કામો , તેમજ દહેગામ તાલુકાના જુદા જુદા ગામો (મોટા જલુંદરા ,વર્ધાનાં મુવાડા, પાટનાકુંવા, બહિયલ, પલ્લાના મઠ , ચામલા, કડજોડરા , રખિયાલ , પાલુનદ્રા ,કણીપુર , શિયાવાડા , લાખાના મુવાડા, , જીંડવા , વાસણા સોગઠી ) વગેરે ગામોમાં સી. સી. રોડ, પેવર બ્લોક , સંરક્ષણ દીવાલ અને પ્રાથમોક શાળા, ગટરલાઇનના નવીન મંજુર થયેલા 10 કામોથી , ઉપરોક્ત ગામોના સંબંધિત વિસ્તારના પ્રજાજનોને તેમજ શાળાના બાળકોને લાભ થશે.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ગાંધીનગરના (દક્ષિણ)ના ધારાસભ્ય્શ્રી અલ્પેશભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, શ્રી નરેંદ્ર ભાઇ આવ્યા એ પહેલા વિકાસ શું કહેવાય એ કોઇને ખબર નહોતી. ગુજરાતમાં એમના નેતૃત્વમાં શિક્ષણ,આરોગ્ય, પાણીના પ્રશ્નોમાં ખૂબ વિકાસ કર્યો છે. સુશાસન ક્ષેત્રે ઘણું કામ થયું. આજના મુખમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ વધુ ને વધુ કામ કરી રહ્યા છે. સરકારમાં વર્ષો પહેલાં લાઇટનો થાંભલો ૬-૧૨ મહિને મળતો, હવે માગીએ તો કશાની ” ના” હોતી નથી. વિકસિત ભારત -૨૦૪૭ના લક્ષ્ય માટે ગુજરાતને નવી ઊંચાઇ પર લઇ જવાનું છે.
ગાંધીનગરના કલેક્ટરશ્રી મેહુલ દવેએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ૭ ઑક્ટોબર,૨૦૦૧ના દિવસે શ્રી નરેંદ્ર ભાઇએ મુખ્યમંત્રી તરીકે, ગુજરાતની ધૂરા સંભાળી ત્યારથી આજ સુધીના ૨૩વર્ષ એ,ભારત અને ગુજરાત માટે સુવર્ણકાળ છે.બાળકના જન્મથી માંડીને,છેવાડાના લોકો માટે તેઓ ૨૪*૭ અવિરત,એક પણ દિવસ રજા લીધા વગર વડાપ્રધાનશ્રી કામ કરી રહ્યા છે. ગુજરાત મોડેલને વિશ્વ ફલક ઉપર લઇ જવા ,તેમણે વિકસિત ભારતની ગતિને તેજ બનાવી દીધી છે.
આ કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલે કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના લોકસભાના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંક ભાઇ નાયક,દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, શ્રીમતી રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય શ્રી જે .એસ .પટેલ,વિવિધ ગામોનાપદાધિકારીઓ,જિલ્લાના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.