ડગાળા (તા.ભુજ) કચ્છના સાધ્વીજી ભગવંત વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ની ૧૦૦મી આયંબિલ તપની પૂર્ણાહુતીના પાવન અવસરે તા. 30/09 થી પ્રારંભ થયેલા ત્રિદિવસીય પારણોત્સવ તા. 02/10ને સોમવારના નુતન આરાધના ભવન દાદર (મુંબઈ)માં રંગેચ અંગે નિર્વિઘ્ને સંપન્ન થયો હતો.
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી સુવિસાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ સંખ્યામાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ત્રિદિવસીય પારણોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો.
તપસ્વી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ના આયંબીલ તપની ઓળીમાં નિશ્રા પ્રદાન કરવા મુંબઈના પરા બોરીવલીમાં ચાતુર્માસ ગાળતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી પૂર્ણચંદ્રસુરીશ્વરજી મ.સા. આદિઠાણા, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કુમુદચંદ્રસુરીશ્વરજી મ.સા. આદિઠાણા પરેલ જૈન સંઘમાંથી અને નવજીવન બોમ્બે સેન્ટ્રલ સંઘમાંથી પરમ પૂજ્ય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા. આદિઠાણા નૂતન આરાધના ભવન દાદર (મુંબઈ) આવેલ હતા.
ત્રિદિવસીય કાર્યક્રમના સંપૂર્ણ લાભાર્થી મહેતા ભવાનજી વીરજી (ડગાળાવાલા) હતા. ભક્તામર પૂજનના લાભાર્થી શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક ડગાળા જૈન સંઘ હતો. આયંબિલ ખાતામાં માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાળાવાલા (હસ્તે:- રૂપલબેન ભરતભાઈ મહેતા (ડગાળા-માંડવી) ડોનેશન નોંધાવવાનો લાભ લીધો હતો. અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા પરિવારને લાભ લીધો હતો. વિધિકાર તરીકે હાર્દિક શાહ (સુરત) અને સંગીતકાર તરીકે નૈતિક શાહે રમઝટ બોલાવી હોવાનું ડગાળા (તા.ભુજ) કચ્છના જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને સમાજરત્ન એવોર્ડ વિજેતા દિનેશકુમાર મણીલાલ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.
આરાધના ભવન જૈન સંઘ દાદર (મુંબઈ)એ લાભાર્થી પરિવારના કિર્તીભાઈ અને ભરતભાઈ ડગાળાવાલા નું સન્માન કરેલ હતું. તપસ્વી પરમ પૂજ્ય અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ને પ્રથમ પારણું તેમના સંસારી ભાઈ ભરતભાઈ, સંજયભાઈ, જીતુભાઈ, કિર્તીભાઈ, જયેશભાઈ, હિતેશભાઈ, મેહુલભાઈ વગેરેએ કરાવેલ હતું. જયંતીભાઈ, મૈત્રીક અને પંકજભાઈ મહેતા (ડગાળાવાલા) સહયોગી રહ્યા હતા. નવીનભાઈ કુબડીયા પરિવાર તથા ડો.ગાંધી પરિવારે ઉતારા વ્યવસ્થામાં ખૂબ જ સહકાર આપેલ હતો.
નૂતન આરાધના ભવન જૈન સંઘ દાદર (મુંબઈ)ના પ્રમુખ પ્રવીણભાઈ ધરમશી કુબડીયા તેમજ ટ્રસ્ટી ધિરુભાઈ કુબડીયા, ભરતભાઈ લાલચંદ શેઠ, કલ્પેશભાઈ કુબડીયા અને હિતેશભાઈ વોરાએ ત્રિદિવસીય પારણોત્સવને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
સમાપનના દિવસે સોમવારે સવારે ૬ વાગે તપસ્વી અક્ષયચંદ્રાશ્રીજી મ.સા.ને વાજતે ગાજતે આરાધના ભવનમાં લાવ્યા હતા. ત્યાં ગચ્છાધિપતિ શ્રીમદ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મહારાજે વાસક્ષેપ આપી માંગલિક સંભળાવેલ હતું. ગચ્છાધિપતિએ અંજન સલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ નું મુહૂર્ત કાઢી આપેલ હતું. કચ્છના ૧૦૦(એક સો) ભાવિકોએ હાજરી આપીને પારણોત્સવને ચાર ચાંદ લગાવી દીધા હોવાનું દિનેશભાઈ શાહ (મહેતા)એ જણાવ્યું હતું.