
(ગાંધીનગર)
શહેરના સેક્ટરોમાં જુના અને જર્જરીત સરકારી આવાસો તબક્કાવાર તોડવામાં આવી રહ્યાં છે. જ્યારે જુના આવાસો તોડવાની સાથે નવા આવાસો બાંધવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સેક્ટર-૬/ડીમાં પણ નવા આવાસો લગભગ તૈયાર થઇ ગયા છે ત્યારે સે-૬માં જ પોલીસ સ્ટેશનની સામેના ભાગે આવેલા જ-૧ કક્ષાના ૪૦થી વધુ બ્લોક તોડી પાડીને અહીં ૫૦ કરોડના ખર્ચે ચ-ટાઇપના ૧૦ ટાવર ઉભા કરીને ૨૮૦ સરકારી આવાસો બનાવવા માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. એપ્રિલ માસ પહેલા અહીં બ્લોક તૈયાર કરી દેવા માટે ઉચ્ચકક્ષાએથી સુચના આપવામાં આવી છે.
ગાંધીનગરમાં દાયકાઓ જુના સરકારી આવાસો રહેણાંકને લાયક રહ્યા નથી. એટલુ જ નહીં, સેક્ટરોમાં સ્થિત વિવિધ કેટેગરીના આવાસો પૈકી મોટાભાગના બ્લોક જોખમી હોવાનું પણ ટેકનીકલ સર્વેમાં બહાર આવ્યું છે. જ્યારે છેલ્લા એક દાયકામાં ઘણા મકાનો તોડી નાંખવામાં આવ્યા છે. હજુ પણ સેક્ટરોમાં સર્વે દરમિયાન અત્યંત જોખમી આવાસોને તોડવા માટે તબક્કાવાર કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.આ જોખમી આવાસો તોડી પાડીને ખુલ્લી થયેલી જગ્યામાં ટાવરો ઉભા કરીને નવી સરકારી કોલોની બનાવવાનું આયોજન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે.
શહેરમાં જર્જરીત સરકારી આવાસો તોડીને ત્યાં નવા આવાસો બાંધવાનું આયોજન અગાઉ સેક્ટર-૭,૨૯ અને સેક્ટર-૩૦માં કરવામાં આવ્યું છે. ત્યારે હવે સેક્ટર-૬ ડીમાં બી અને સી કક્ષાના નવા આવાસો બાંધવા માટે કામગીરી લગભગ પુર્ણતાને આરે છે પરંતુ હજુ પણ નવા આવાસોની જરૃરીયાત છે જેને અનુલક્ષીને આજ સેક્ટરોમાં વધુ આવાસો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સે-૬ પોલીસ સ્ટેશનની સામેના ભાગે જુના અને જર્જરીત જ-૧ કેટેગરીના આવાસો તોડી પાડીને ત્યાં ખુલ્લી જગ્યા કરીને અહીં સાત માળના ૧૦ ટાવર ઉભા કરી દેવામાં આવ્યા છે. ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશને પગલે આ કામગીરી પણ ઝડપથી પુર્ણ થાય તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બે રૃમ-રસોડું એટલે કે, ચ ટાઇપના અહીં ૨૮૦ મકાનો બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછવ ૫૦થી ૫૨ કરોડ રૃપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષમાં સે-૬-ડી ઉપરાંત પોલીસ સ્ટેશન સામેના ભાગમાં બીજી વસાહત ઉભી થશે.