મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલ, સંસ્કૃતિ સ્પર્ધા, ગ્રામીણ ઓલિમ્પિક, લોક ડાયરાનું પણ આયોજન, તરણેતરનો મેળો આજથી ખુલ્લો મૂકાયો
સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થયો છે. આજે સવારે ત્રિનેત્રેશ્વર મંદિરમાં મહાદેવજીની પૂજન-અર્ચના કરાયા બાદ મેળો લોકો માટે ખુલ્લો મુકાયો છે. આજે સવારે થાનગઢના ધારાસભ્યના હસ્તે પૂજા કરાયા બાદ મેળો ખુલ્લો મુકાયો છે. મેળાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલ, સંસ્કૃતિ સ્પર્ધા, ગ્રામીણ ઓલિમ્પિક, લોક ડાયરોનું પણ આયોજન કરાયું છે.મહત્વનું છે રાઇડ્સના વિવાદ અને વરસાદની વચ્ચે સાતમ આઠમના મેળા નિષ્ફળ ગયા છે. જેની કસર પૂરી કરવા નાની-મોટી રાઇડ્સની મજા માણવા લોકો મેળામાં ઉમટ્યા છે. જોકે લોકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરેન્દ્રનગરના આ તરણેતરના મેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટતાં હોય છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ટીટોડો અને હુડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે.
ઋષિપાંચમે ચડાવાય છે બાવન ગજની ધજા
ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે.
આવો જાણીએ શું છે ઇતિહાસ ?
પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો પાંચાળ વિસ્તાર છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ 1001 કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર 1000 કમળ થઈ ગયા અને છેલ્લું 1 કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયા અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ તરણેતર પડ્યું. વાયકા મુજબ બીજી વખત કણ્વ મુનિના ભક્તિના પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચ મુખ, દશ ભુજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે.પૌરાણિક કથા અનુસાર આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડના પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ પાંચાલભૂમિ તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે. એક દંતકથા મુજબ પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે.
ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું. તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારના લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.