ગુનાહિત પ્રવૃતિ રોકવા હોટલમાં રોકાતાં મુસાફરોની ‘પથિક’માં એન્ટ્રી ફરજિયાત

(ગાંધીનગર)

ગાંધીનગર જિલ્લામાં આવેલી હોટલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળામાં રોકાતા મુસાફરોની વિગતો પોલીસ તુરંત જ મેળવી શકે તે હેતુથી તૈયાર કરાયેલા પથિક સોફટવેરમાં હવે આ સંચાલકોએ મુસાફરોની ડીટેઈલ આપવી પડશે. આ મામલે જિલ્લાના અધિક નિવાસી કલેકટરે જાહેરનામું બહાર પાડયું છે અને તમામ સંચાલકોને તેનું પાલન કરવા માટે તાકીદ કરી છે નહીં તો તેમની સામે જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહીની ચિમકી પણ આપવામાં આવી છે. આ સોફટવેર થકી ગુનેગારો ઉપર તુરંતજ પોલીસની નજર પડી જશે.
રાજયમાં ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવા માટે પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક સોફટવેર એટલે કે પ્રોગામ ફોર એનાલીસીસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઈન્ફરમેટીક્સ અંતર્ગત હવે જિલ્લાની તમામ હોટલ અને ગેસ્ટહાઉસ તેમજ ધર્મશાળાના સંચાલકોએ આ સોફટવેર ઉપર મુસાફરોની નોંધણી કરવાની રહેશે. ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ પ્રસિધ્ધ કરેલા જાહેરનામાંમાં જણાવાયું છે કે જિલ્લાની હોટલોમાં રોકાતાં યુવક, યુવતિઓ અનુસંધાને અનિચ્છનિય બનાવ બન્યાનું ધ્યાને આવ્યું છે.
ગુનેગારોનું કાર્યક્ષેત્ર સ્થાનિક ગામ શહેર કે રાજય પુરતું મર્યાદિત રહયું નથી. એક શહેરમાંથી બીજા શહેરમાં ગુનો આચરી ગુનેગારો હોટલ, ગેસ્ટહાઉસ કે ધર્મશાળામાં રોકાઈને નીકળી જતાં હોય છે ત્યારે પોલીસ દ્વારા રોજેરોજ આ હોટલોમાં મેન્યુઅલી મુસાફરોની તપાસ કરવી અઘરી બની જાય છે. ત્યારે આ પથિક સોફટવેર થકી પોલીસ બેઠાબેઠા જ મુસાફરોની તમામ વિગતો મેળવી શકશે અને ગુનેગારો સુધી સરળતાથી પહોંચી શકશે.જાહેરનામાં અંતર્ગત આ રજીસ્ટરમાં મુસાફરની સંપૂર્ણ ઓળખ, ફોન નંબર, નજીકના સ્થળે રહેતા પરિચીતનું નામ, મુસાફરનું ઓળખ કાર્ડ પણ આપવું પડશે. જે હોટલ કે ગેસ્ટહાઉસમાં લાયસન્સ મેળવ્યું હોય તે માલિકોએ જ તેનું સંચાલન કરવું પડશે. હોટલ ભાડે આપવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *