ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત, અમદાવાદ સહિતની કોર્ટોને RDXથી ઉડાવવાની ધમકી, ન્યાયિક કામગીરી બંધ

ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત, અમદાવાદ સહિતની કોર્ટોને RDXથી ઉડાવવાની ધમકી, ન્યાયિક કામગીરી બંધ

ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો સતત વધી રહ્યો છે. હવે ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

RDXથી કોર્ટ બિલ્ડિંગ ઉડાવવાની ઈ-મેઈલ દ્વારા ધમકી

મળતી માહિતી મુજબ, એક અજાણ્યા શખસે સોમવારે મોડી રાત્રે આશરે 2 વાગ્યે સુરત અને અમદાવાદ સહિતની કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર અંગ્રેજીમાં ધમકીભર્યો મેઈલ મોકલ્યો હતો. આ ઈ-મેઈલમાં કોર્ટ બિલ્ડિંગને RDX વિસ્ફોટકથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી.

ન્યાયિક કામગીરી તાત્કાલિક બંધ

મેઈલની જાણ થતાં જ કોર્ટ પ્રશાસન દ્વારા પરિસ્થિતિને ગંભીરતાથી લઈ તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. ગુજરાત હાઈકોર્ટ તેમજ તમામ જિલ્લાની કોર્ટોમાં પ્રવેશબંધી લાગુ કરી દેવામાં આવી છે. વકીલો, સ્ટાફ અને અસીલોને સુરક્ષિત રીતે કોર્ટ પરિસરની બહાર કાઢવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓનું સઘન સર્ચ ઓપરેશન

ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. સુરત અને અમદાવાદ સહિત વિવિધ કોર્ટ પરિસરોને કોર્ડન કરી લેવામાં આવ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ બિલ્ડિંગના દરેક માળ, પાર્કિંગ, કેન્ટીન અને ચેમ્બર્સમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજના આદેશ સુધી કોર્ટ બંધ

કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવી મેઈલ ચેક કરતા આ ધમકી સામે આવી હતી. ત્યારબાદ તરત જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને જાણ કરવામાં આવી. જજ સાહેબના આદેશ અનુસાર પોલીસને તાત્કાલિક જાણ કરી અને આગામી સૂચના સુધી તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

સરકારી વકીલનું નિવેદન

સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,

“રાત્રે 2 વાગ્યે RDXથી કોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેઈલ જોયા બાદ તરત જ જજ સાહેબ અને પોલીસને જાણ કરવામાં આવી. હાલ સઘન ચેકિંગ ચાલુ છે.”

અમદાવાદ બાદ સુરત નિશાન પર

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 5 જાન્યુઆરીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ આ જ રીતે ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. સતત બીજા દિવસે બીજી મોટી કોર્ટને નિશાન બનાવતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

સાયબર ક્રાઈમ તપાસમાં જોડાયું

આ ધમકીભર્યા મેઈલ મોકલનારની ઓળખ કરવા સાયબર ક્રાઈમ સેલની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઈ-મેઈલના IP એડ્રેસ અને ટેકનિકલ વિગતો આધારે તપાસ આગળ વધારવામાં આવી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *