ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બાદ બીજું સૌથી ઠંડુગાર શહેર બન્યું
રાજ્યભરમાં હાલ ઠંડીએ જોર પકડ્યું છે. જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ઘણા દિવસથી વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે ઠંડીનું પ્રમાણ ધીમેધીમે તીવ્ર થઈ રહ્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ વાતાવરણની અસર રાજ્યના પાટનગર ઉપર પણ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવારથી સાંજ સુધી નગરજનો ઠંડીના ચમકારાનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે બુધવારે (8 જાન્યુઆરી) ઠંડા પવનની વચ્ચે ગાંધીનગરમાં રેકોર્ડબ્રેક 6 ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો છે.
ઉત્તર ભારતના હિમવર્ષાની અસર
સમગ્ર રાજ્યમાં થોડા દિવસ અગાઉ બદલાયેલા હવામાનના પગલે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો હતો. તો બીજીબાજુ ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થવાથી ગાંધીનગરના રહેવાસીઓ ઠંડીનો સામનો કરી રહ્યા હતા. જોકે, અચાનક ફરી વાતાવરણમાં પલટો થવાના કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઈ રહી છે.
નલિયા બાદ બીજા નંબરનું ઠંડુગાર શહેર બન્યું ગાંધીનગર
હાલમાં જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં આક્રમક ઠંડીની મોસમ જામી છે. છેલ્લાં ઘણા દિવસથી ઠંડીનો ચમકારો તીવ્ર બનતા બુધવારે નલિયા બાદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બન્યું છે. સવારનું તાપમાન 6 ડિગ્રી તેમજ સાંજનું તાપમાન 25.8 ડિગ્રી આવીને અટકી ગયું હતું. એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં સાડા પાંચ ડિગ્રીનો ઘટાડો થવાના કારણે નગરજનોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, દિવસ અને રાત્રિના તાપમાનમાં 20 ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ઠંડીનું આક્રમણ યથાવત છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરો