દિલ્હી લિકર પોલિસી કેસમાં 177 દિવસ બાદ જેલથી છૂટ્યા પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પાર્ટીના કાર્યાલયે પહોંચ્યા હતા અને આપના કાર્યકરોમાં ફરી જોશ પૂરવાનું કામ કરતાં સભાને સંબોધી હતી. આ દરમિયાન તેઓ આક્રમક મૂડમાં દેખાયા અને સીધા જ ભાજપ પર આક્રમક પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે મોટી જાહેરાત કરી કે, ‘હું બે દિવસ બાદ સીએમની ખુરશી પરથી રાજીનામું આપી દઇશ.
કેજરીવાલે કર્યું મોટું એલાન
કેજરીવાલે કહ્યું કે ‘હું આગામી બે દિવસમાં રાજીનામું આપી દઈશ. હું તમારી અદાલતમાં આવ્યો છું. હવે તમે જ નિર્ણય કરો કોણ સાચું હતું. મનીષ સિસોદિયા પણ મુખ્યમંત્રી નહીં બને. દિલ્હીની ચૂંટણી ફેબ્રુઆરીમાં છે, પરંતુ અમારી માગ છે કે મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો કોઈપણ નેતા મુખ્યમંત્રી બની શકે છે. હું અને સિસોદિયા હવે જનતા વચ્ચે જઈશું અને અમે ગુનેગાર કે ઈમાનદાર એ પ્રજાને નક્કી કરવા દઈશું. હવે દિલ્હીના સીએમની શક્ય એટલી ઝડપથી પસંદગી કરી લો. જ્યાં સુધી લોકો ફેંસલો ના કરે કે, કેજરીવાલ પ્રામાણિક છે કે નહીં, ત્યાં સુધી ખુરશી પર નહીં બેસું. કેજરીવાલ પ્રામાણિક લાગતો હોય તો ‘આપ’ને ભરપૂર વૉટ આપજો.’
કેજરીવાલે કરી ભવિષ્યવાણી!
જામીન મળ્યાના બે દિવસ બાદ પહેલી સભાને સંબોધતા કેજરીવાલે કહ્યું કે,’સત્યેન્દ્ર જૈન, અમાનતુલ્લાહ ખાન પણ જેલમાંથી ઝ઼ડપથી બહાર આવી જશે. દિલ્હીના લોકોએ અમારા માટે પ્રાર્થના કરી એ બદલ હું તેમનો આભારી છું. મેં જેલમાં અનેક પુસ્તક વાંચ્યા જેમાં રામાયણ-ગીતા વગેરે સામેલ છે. હું મારી સાથે ભગત સિંહની જેલ ડાયરી લાવ્યો છું, જેલમાં મેં તે પણ વાંચી.
અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાંખ્યું
કેજરીવાલે કહ્યું કે ‘અમારા નાનકડા પક્ષે દેશનું રાજકારણ બદલી નાખ્યું છે. જેલમાં વિચારવાનો સમય મળ્યો. મેં જેલમાંથી એક જ પત્ર લખ્યો હતો એ પણ ઉપરાજ્યપાલને. એ પત્ર મને પાછો મોકલી દેવાયો અને ચેતવણી આપવામાં આવી કે બીજી વખત પત્ર લખ્યો તો પરિવારને પણ મળવા નહીં દઈએ. અમારા પક્ષને ખતમ કરવા માટે ભાજપે કાવતરું ઘડ્યું હતું જે નિષ્ફળ રહ્યું. ઊલટાનો હું તો વધુ જુસ્સા સાથે જેલમાંથી બહાર આવ્યો છું.
શનિવારે હનુમાન મંદિરે જઈ દર્શન કર્યા હતા
શનિવારે (14મી સપ્ટેમ્બર) અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસના હનુમાન મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ પ્રસંગે તેમની સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, AAPના નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે, ‘ભગવાન દરેક મુશ્કેલીમાં મારી પડખે છે કારણ કે મેં હંમેશા સત્યનો સાથ આપ્યો છે.